અમદાવાદ : નવી શિક્ષણ પોલિસીની રાજ્યમાં ધીમે ધીમે અમલ થઈ રહ્યો છે. આ પોલિસીનો એક નિયમ મુજબ, રાજ્યની પ્રાથમિક શાળામાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે છે. જેનો અમલ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં થશે.શનિવારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલબેગ વગર જ શાળા પર આવશે. શાળામાં શનિવારે અભ્યાસ સિવાય ઈત્તર પ્રવૃતિ કરાવાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવી શિક્ષણ પોલિસીનો સ્કુલ બેગ ડેના નિયમમાં વાત એવી છે કે, દરેક પ્રાથમિક શાળામાં શનિવારે વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વગર બોલાવવામાં આવશે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતા વધુ ધ્યાન ઈતર પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવામાં આવશે. અને આ ઉત્તર પ્રવૃત્તિ દ્વારા બાળકોનો વિકાસ એ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ નિયમ એ નવી એજ્યુકેશન પોલિસીમાં દાખલ કરવામાં આવ્યો છે.
શાળામાં શારીરિક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવા સૂચના અપાઈ છે. એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાની થતી પ્રવૃત્તિઓ પર સ્પષ્ટતા થશે. જૂલાઈ માસથી જ દર શનિવારે બેગલેસ ડે-આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા સૂચના તમામ શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવી છે.
નવી શિક્ષણ નીતિ મુજબ શિક્ષણ વિભાગે હવે ગુજરાતની પ્રાથમિક શાળામાં દર શનિવારે બેગલેસ ડે ઉજવવાનો નિર્ણય કર્યો છે. જો કે, રાજ્યની અનેક સરકારી અને ખાનગી શાળાઓ સ્વૈચ્છિક રીતે અઠવાડિયામાં એક દિવસ અથવા મહિનામાં એક દિવસ બેગલેસ ડે રાખતી હોય છે. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણથી અલગ ઈત્તર પ્રવૃતિઓ કરાવાતી હોય છે. જો કે, હવે રાજ્ય સરકારના પરિપત્ર બાદ દરેક પ્રાથમિક શાળાઓમાં શનિવારે બેગલેસ ડેનો અમલ થશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે નવી શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ માટે પણ પગલાં લીધા છે. રાજ્ય સરકારે નીતિના વિવિધ પાસાઓને લાગુ કરવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે અને તબક્કાવાર રીતે અમલીકરણ કરી રહી છે.આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય શિક્ષણ પ્રણાલીને 21મી સદીની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. ભારત સરકારે 29 જુલાઈ 2020 ના રોજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરી હતી.