અમદાવાદ : પોલીસ દ્વારા નાગરિકોની સલામતી અને સુરક્ષા વધુ ઝડપી બને તે માટે નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ઈમરજન્સી કોલ બોક્સ શરૂ કર્યા છે. જેમાં ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં પરિવાર અથવા અન્ય કોઈની મદદ પહોંચી ન શકે ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શકશે.હાલ અમદાવાદમાં 300થી વધુ ઈમરજન્સી કોલ બોક્ષ ઈન્સ્ટોલ કરાયા છે. જેના સારા પરિણામો મળી રહ્યા છે અને પ્રતિદિને 100 જેટલા કોલ મળી રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી, સિંધુ ભવન રોડ, નવરંગપુરા, સેટેલાઈટ, પ્રહલાદનગર, એસ.જી. હાઈવે સહિતના વિવિધ વિસ્તારોમાં ઈમરજન્સી કોલ બોક્ષ ઈન્સ્ટોલ કરાયા છે. જેની ખાસીયત એ છે કે કોઈ વ્યક્તિને તાત્કાલિક પોલીસની મદદ જોઈતી હોય તો બોક્સનું બટન દબાવવાથી પોલીસ કંટ્રોલ રૂમ અને નજીકની PCR વાનને મેસેજ મળી જાય છે અને ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી શકે છે. આ કોલ બોક્ષમાં વીડિયો કોલની પણ સુવિધા છે. જેથી કોલ કરનારની માહિતી પણ મળે છે.
અમદાવાદમાં હાલ 300 જેટલા સ્થળો પર ઈમરજન્સી કોલ બોક્ષ ઇન્સ્ટોલ કરાયા છે. ખાસ કરીને જાહેર સ્થળો પર મહિલાઓની છેડતી કે કોઈને પડતી મુશ્કેલી સમયે આ સિસ્ટમ ઉપયોગી બને છે. પોલીસના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટ મહિલા સુરક્ષાનો છે. પરંતુ, આ પ્રોજેક્ટ સિનિયર સિટીઝન સહિત તમામ લોકો માટે ઉપયોગી છે. જેમાં હાલ પોલીસ કંટ્રોલ રૂમ પર 100 જેટલા કોલ મળે છે. હાલ આ પ્રોજેક્ટ અમદાવાદ સહિત, દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચેન્નાઈ, બેંગાલુરૂ, હૈદરાબાદ અને લખનઉમાં કાર્યરત કરાયો છે.
જ્યારે કોઈ મહિલાને મુસાફરી દરમિયાન ભયની અનુભૂતિ થતી હોય અથવા કોઈ આકસ્મિક ઘટના મહિલા સાથે ઘટશે તેવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય અથવા નાના બાળકોની સુરક્ષા હોય અથવા અન્ય કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય આમ આવી વિકટ સ્થિતિમાં શહેરીજનો માટે આ ઈમરજન્સી કોલ બોક્સ મદદરૂપ સાબિત થશે.