ગાંધીનગર : તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ હવે સરકાર તાળા લગાવવા જઈ રહી છે. ગુજરાતમાં ગાજેલા ખ્યાતિ મોતકાંડ બાદ હવે ગુજરાત સરકાર જાગી છે અને આરોગ્ય ક્ષેત્રે કડક પગલા લઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા દર્દીઓ માટે રાહતનાં નિર્ણય લીધો છે. ખાનગી હોસ્પિટલો હવે દર્દીઓને પોતાની મેડિકલમાંથી દવાઓ ખરીદવા દબાણ નહી કરી શકે. પોતાનાં મેડીકલ સ્ટોરમાંથી દવા ખરીદવાનું દબાણ કરતી હોસ્પિટલો સામે સરકાર એક્શન મોડમાં આવી જવા પામી છે. તેમજ ખોરાક અને ઔષધ નિયમને પરિપત્ર જાહેર કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું કે, ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવા ફરજ નહીં પાડી શકાય. આ અંગે મેડિકલ સ્ટોરની બહાર બોર્ડ ફરજિયાતપણે લગાવવું પડશે કે, આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી.ત્યારે હવે ખાનગી હોસ્પિટલનાં મેડીકલમાંથી દવાઓ ખરીદવી ફરજિયાત નથી. હોસ્પિટલોએ પોતાની મેડિકલમાંથી દવાની ખરીદી ફરજિયાત ન હોવાની નોટિસ પણ લગાવવી પડશે. ખોરાક અને ઔષધ નિયમને તમામ ખાનગી હોસ્પિટલોને સૂચના આપી છે.
તંત્રના તાબા હેઠળના તમામ મદદનીશ કમિશનરને જણાવવાનું કે, રાજ્યમાં આવેલી હોસ્પિટલો ખાતે આવેલ ઈન હાઉસ મેડીકલ સ્ટોર પાસેથી હોસ્પિટલના દર્દીઓને દવા ખરીદ કરવા માટે ફરજ પાડી શકાય નહીં. આથી દરેક ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોએ ખાસ સૂચના દર્દીઓ દવા ખરીદ કરવા આવે ત્યારે સ્પષ્ટપણે દેખાય તે રીતે ફરજીયાતપણે લગાવવાની રહેશે. ‘”આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી’ તેવુ બોર્ડ ફરજિયાતપણે લગાવવું.