પાલનપુર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં પ્રજાશક્તિ ડેમોક્રિટીક પાર્ટી સક્રિય થઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાએ ગુજરાત અધ્યક્ષની સાથે પાલનપુર ખાતે પહોંચી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી અને તેમાં બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાની જાહેરાત કરી હતી. શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ તેવું નિવેદન કર્યું હતું.
પાલનપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા શંકરસિંહે કહ્યું, ગુજરાતમાં ફક્ત નામની જ દારૂબંધી છે. રાજ્યના દરેક ખૂણામાં આસાનીથી દારૂ મળી રહ્યો છે. લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે. લોકો ડ્રગ્સના રવાડે પણ ચડી રહ્યા છે. ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટીવાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ. દારૂમાંથી સરકારને જે આવક થાય તે વિદ્યાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ. ગરીબ લોકોના આરોગ્ય પાછળ તેનો ખર્ચ કરવો જોઈએ.
શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસ પહેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જાહેરાત કરી હતી અને પક્ષની નોંધણી પણ કરાવી હતી. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ તરીકે વડોદરાના પૂર્વ મેયર ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડની વરણી કરી હતી. જ્યારે ગાંધીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફ પરમારને મહામંત્રી બનાવવામાં આવ્યા હતા અને પાર્થેશ પટેલને ખજાનચીની જવાબદારી સોંપી હતી.
ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે રોજબરોજ ક્યાંકને ક્યાંક મોટા પ્રમાણમાં દારૂ ઝડપાઈ રહ્યો છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં દારૂની હેરાફેરી કરનારા ઈસમો પણ સક્રિય થયા છે. થોડા દિવસ પહેલા સુરતના કામરેજમાંથી બે ટ્રક ભરીને લઈ જવાતો દારૂ ઝડપાયો હતો. બે દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં ઇંગ્લિંશ દારુની બોટલ તથા બીયર નંગ- 24,024 ભરેલો ટ્રક ઝડપાયો હતો. ગુજરાતમાં છૂટથી મળતાં દારૂને લઈ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે.