અમદાવાદ : અમદાવાદમાં આવેલા વિવિધ અંડરપાસમાં ચોમાસાના સમયે વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ કરવા પડે છે. અંડરપાસમાં પાણીનું સ્તર જાણવા માટે શહેરના 20 અંડરપાસમાં રુપિયા ત્રણ કરોડના ખર્ચે વોટર સેન્સર લગાવવામા આવશે.અંડરપાસમાં પાણીનુ લેવલ 2 ફૂટથી વધશે તો બુમ બેરીયર આપોઆપ બંધ થઈ જશે. જેથી વાહનચાલકો અંડરપાસનો ઉપયોગ કરી શકશે નહીં.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિ.એ શહેરના 20 અંડરપાસમાં બૂમ બેરિયર લગાવવા પાછળ રૂપિયા 2.96 કરોડમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. લાઇડર આધારીત વોટર લેવલ સેન્સર મારફેત અંડરબ્રીજમાં છત ઉપર લગાવવામાં આવેલા સેન્સર સતત રોડ પર એકત્રીત થતાં પાણીના લેવલની ચકાસણી કરશે. તે ઉપરાંત અંડરબ્રિજમાં દીવાલ પર લગાવેલા તથા ફૂટપાથ પર લગાવેલા વોટર ડિટેક્શન સેન્સર મારફતે પાણી ભરાવાનું શરૂ થતાં વોટર લેવલ મોનિટરિંગની કામગીરી શરૂ થશે. દર 10 સેકન્ડે પાણીના લેવલની વિગત કંટ્રોલ રૂમમાં મોકલશે, તથા સોફ્ટવેર મારફતે પાણીનું લેવલ માહિતી કંટ્રોલ રૂમને મોકલશે.
તમને જણાવી દઈએ કે મ્યુનિ.એ ગત વર્ષે અખબારનગર અંડરપાસમાં લાઈડર લેવલ સેન્સર અને વોટર સેન્સરનો એક પ્રાયોગિક પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. જેમાં અહીં સેન્સર આધારિત ઓટોમેટિક બૂમ બેરિયર લગાવ્યા હતા. જેથી અંડરપાસમાં પાણીનું લેવલ 2 ફૂટથી વધે કે તરત જ ફાટક બંધ થઈ જતા હતો.
આ અગાઉ ચોમાસામાં અંડરપાસ ભરાઈ ન જાય તે માટે એક વ્યક્તિને રાખીને મોનિટરિંગ કરાવવામાં આવ્યું હતું. પાણી ભરાય તો કર્મચારી દ્વારા ફાટક બંધ કરી વાહનોને જતા અટકાવવામાં આવતા હતા.જો કે ક્યારેક ફાટક બંધ કરવામાં વિલંબ થાય તો અકસ્માતની શક્યતા રહેતી હતી.


