અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ છે તે હવે શરૂ થઈ જશે ભગવાનના રથયાત્રાની તૈયારી અખાત્રીજના દિવસથી શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ તે પહેલા ભગવાન જગન્નાથ મામેરાની તૈયારી શરૂ કરવામાં આવી છે મામેરા માટેના યજમાન બનવા માટે છ લોકોએ નામ લખાવ્યા હતા જેનું આજે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે ડ્રો કરી લકી યજમાનનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દર વર્ષે રથયાત્રામાં સરસપુર રણછોડરાય મંદિર દ્વારા મામેરુ કરવામાં આવતું હોય છે, જેના માટેના યજમાન ડ્રો દ્વારા નક્કી કરાતા હોય છે. આગામી 27 જુન, 2025ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ભગવાનના મામેરા માટે આજે રામનવમીના તહેવારના દિવસે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ટ્રસ્ટીઓની હાજરીમાં એક નાની દીકરી દ્વારા તમામ યજમાનોના નામની ચિઠ્ઠીમાંથી એક ચિઠ્ઠી ઉપાડી અને ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના વાસણા વિસ્તારમાં રહેતા જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને લાભ મળ્યો છે.
દર વર્ષે ભગવાનનું મામેરુ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આ લ્હાવો લેવા માટે અરજીઓ કરતા હોય છે. વર્ષ 2025માં 148મી રથયાત્રા માટે કુલ છ જેટલા લોકો દ્વારા નામ નોંધાવવામાં આવ્યા છે, જેમાંથી વાસણાના જાગૃતિબેન ત્રિવેદીને આ માટે લાભ મળ્યો છે. મામેરાના યજમાન માટે અરજીઓ મંગાવવામાં આવતી હોય છે. ત્યારે વર્ષ 2031 સુધી ભગવાનના મામેરા માટેનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. જે પણ લોકો નામ નોંધાવવા માંગતા હોય તેઓ અરજીઓ કરતા હોય છે અને દર વર્ષે તેમાંથી ડ્રો કરવામાં આવતો હોય છે.
છેલ્લા 8 વર્ષથી યજમાન બનવા માટે જાગૃતિબેન રાહ જોતા હતા. ભગવાન જગન્નાથ જીના મામેરૃ કરવાનો લાભ વાસણમાં રહેતા જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને મળશે. 8 વર્ષ બાદ જાગૃતિ બેનના ઘરે ભગવાન જગન્નાથજી મામેરું કરવાનો અવસર આવ્યો છે.


