અમદાવાદ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો દેશભરમાં ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આતંકી હુમલામાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. જો કે હાલમાં સ્થિતિ કંટ્રોલમાં છે અને સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી છે અને આતંકીઓને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુને પગલે રાજ્યના વિવિધ શહેરોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં વિએચપી અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં પાલડી ચાર રસ્તા ખાતે એકઠા થયા હતા અને આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે જાતિ અને ધર્મ પૂછીને આતંકીઓએ પહલગામમાં પ્રવાસી પર હુમલો કર્યા બાદ દેશભરમાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં પણ હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શહેરના ત્રિકોણ બાગ ખાતે VHP અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ VHP પ્રમુખ અશોક રાવલે જણાવ્યું હતું કે પહેલગામના આ હુમલામાં 26 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કેન્દ્ર સરકારને આતંકવાદીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે મુસ્લિમ સમાજના લોકોને પણ આગળ આવી આતંકવાદની નિંદા કરવા અપીલ કરી હતી.
વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદે આતંકવાદનું પુતળું બાળીને વિરોધ નોંધાવામાં આવ્યો છે. હુમલાનો બદલો લેવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ કરી છે. પોસ્ટર્સ બેનર્સ સાથે વીએચપી કાર્યકરોએ આતંકી હુમલાને લઇ વિરોધ નોંધાવ્યો છે.આ હુમલો ઇસ્લામિક આતંકવાદનો પુરાવો હોવાનું VHP દ્રારા કહેવામાં આવ્યું છે.
વલસાડમાં પણ પહેલગામના હુમલાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શ્રીરામ સેવા સમિતિ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો અને બેનરો સાથે આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિદ્યાનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ આ હુમલાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળ્યું હતું અને ત્યારબાદ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદીઓના પોસ્ટર અને પૂતળાનું દહન કર્યું હતું.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલોને લઇ સુરતના ઇચ્છાપોર ગામના લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. આતંકીના પૂતળા દહન કરવામાં આવ્યા મોટી સંખ્યામાં ગામજનો વિરોધ નોંધાવ્યો છે. આતંકીઓને તેમની ભાષામાં જવાબ આપવા માટે સરકારને માંગ કરી છે.


