ગાંધીનગર : ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 હજાર 5 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં છ કેન્દ્રોનું પરિણામ 100 ટકા આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું 52.56 ટકા પરિણામ આવ્યું છે. પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ગોંડલ કેન્દ્ર 96 ટકા પરિણામ સાથે સૌ પ્રથમ નંબરે છે, તો મોરબી જિલ્લો 92 ટકા સાથે પ્રથમ નંબરે છે. દાહોદ 54 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા જાહેર થયું છે. જેમાં બનાસકાંઠા 97.2 ટકા સાથે સૌથી પ્રથમ સ્થાને છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 સ્કૂલનું 100 ટકા પરિણામ આવ્યું હતું. તે સિવાય 34 સ્કૂલનું 10 ટકાથી ઓછું પરિણામ આવ્યું હતું.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 831 વિદ્યાર્થીને A-1 ગ્રેડ મળ્યો હતો જ્યારે 8,083 વિદ્યાર્થીને A-2 ગ્રેડ મળ્યો હતો.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ
નિયમિત વિદ્યાર્થીઓ – 1,00,813
રીપીટર વિદ્યાર્થી – 10,476
આઇસોલેટેડ – 95
કુલ – 1,11,384
ઉલ્લેખનીય છે કે, શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.
તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.