અમદાવાદ : અમદાવાદમાં ગણતરીના કલાકોમાં પશ્ચિમના વેજલપુર, શ્યામલ, વાસણા, ગુપ્તાનગર, ખોખરા જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાના કારણે લોકોના ઘરોમાં તથા દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. આવામાં ભોંયરામાં આવેલી શ્યામલ અને વેજલપુર વિસ્તારની તથા ગુપ્તાનગરની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. પોતાને થયેલા ભારે નુકસાનના લીધે હવે AMCની પ્રી-મોન્સુનની કામગીરી સામે વેપારીઓ અને સ્થાનિકો સવાલ ઉભા કરી રહ્યા છે.
શહેરના શ્યામલ વિસ્તાર અને વેજલપુર સહિત અન્ય નીચાણવાળા વિસ્તારો કે જ્યાં ભોંયરામાં દુકાનો આવેલી છે ત્યાં વેપારીઓ માટે કપરી સ્થિતિ ઉભી થઈ છે. પહેલા કોરોનાના કારણે અને હવે વરસાદના કારણે ભારે નુકસાન થતા વેપારીઓ વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહ્યા છે. શહેરના શ્યામલ અને વેજલપુરની ઢગલાબંધ દુકાનો આખી ડૂબી ગઈ છે અને ભારે વરસાદ પડે તો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી શકે છે તેવી સંભાવના વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વરસાદ આવતા પહેલા શહેરમાં રસ્તાઓ, પાણીનો નીકાલ, નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદી પાણી ભરાય તો શું કરવું તે અંગે મોટા નિર્ણયો લેવામાં આવતા હોય છે. પરંતુ આ નિર્ણયો બાદ જ્યારે તોફાની વરસાદ થાય અને પાણી ભરાયા ત્યારે અધિકારીઓ અને મોટા નિર્ણયો લેનારા કર્મચારીઓ ક્યાંય શોધ્યે મળતા નથી જેવી સ્થિતિ સર્જાતી હોય છે તેવા આક્ષેપ ભારે વરસાદના લીધે નુકસાન વેઠી રહેલા લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. શહેરના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ઉભી થયેલી સ્થિતિએ લોકોને પરેશાન કર્યા છે.