અમદાવાદ : અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવનાર છે જેની કામગીરી અમદાવાદ શહેરમાં ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેનના કામકાજને લઈને વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય રહી છે. શહેરના શાહીબાગ વિસ્તારમાંથી પસાર થનારા બે મહત્વના બ્રિજ પરથી બુલેટ ટ્રેન પસાર થવાની છે, જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા સમય પર નોટિફિકેશન જાહેર કરીને બ્રિજ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનરે ગિરધરનગર બ્રિજ બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા સમય પર નોટિફિકેશન જાહેર કરીને બ્રિજ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગિરધરનગર બ્રિજ ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેકના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી 23 ઓગસ્ટ 2025થી 20 સપ્ટેમ્બર સુધી ચાલનાર હોવાથી આ બ્રિજને આવતીકાલે 23 ઓગસ્ટથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે.અને ટ્રાફિકને ડાયવર્ઝન કરવામાં આવશે.
ગિરધરનગર બ્રિજ સંપૂર્ણપણે બંધ રહેશે જેથી વૈકલ્પિક માર્ગ તરીકે કાલુપુર, પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઇદગાહ સર્કલ થઇ અસારવા બ્રિજનો ઉપયોગ કરી ડાબી બાજુ થઇ બળીયા લીમડી ચાર રસ્તા થઈ સિવિલ હોસ્પિટલ તરફ જઇ શકશે. તેમજ અસારવા વિસ્તારના મુખ્ય માર્ગો ઉપર પણ જઇ શકાશે.
જ્યારે શાહીબાગ ગિરધરનગર તરફથી આવતો ટ્રાફિક ગિરધરનગર સર્કલ કાલીકા માતાજીના મંદિર થઇ બળીયા લીમડી ચાર રસ્તા થઇ સિવિલ હોસ્પિટલ તેમજ અસારવા તરફના મુખ્ય માર્ગ તરફ જઇ શકાશે. તેમજ કાલુપુર, પ્રેમ દરવાજા તરફ જવા માટે પણ અસારવા બ્રિજનો ઉપયોગ કરી શકાશે.


