અમદાવાદ : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ રક્ષાબંધન પર્વને લઇને પણ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અમદાવાદની સાધન વિનય મંદિર સ્કૂલ દ્વારા રક્ષાબંધન નિમિતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરોની થીમ પર 400 ફુટ લાંબી રાખડી બનાવવામાં આવી છે.સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સાથે મળીને રાખડી બનાવવામાં આવી છે.છેલ્લા 17 વર્ષથી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી થીમ પર રાખડી બનાવવામાં આવે છે.
સોલાની સાધન વિનય મંદિર સ્કૂલે સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરોના થીમ પર 400 ફુટ લાંબી રાખડી બનાવી છે જેમાં 90 થર્મોકલ સીટ,50 ચાર્ટ પેપર,80 કલર પેપર,400 ફુટ લેસ,5 કિલો ફેવિકોલ,ટાંકણી અને સેલોટેપ સહિતની વસ્તુઓ વાપરવામાં આવી છે.આ રાખડી તૈયાર કરવા 15 દિવસનો સમય અને 15,000 રૂપિયા ખર્ચો થયો છે.આ રાખડી સ્કૂલ દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવશે.2006 થી સ્કૂલના બાળકો દર વર્ષે વિવિધ થીમ પર રાખડી બનાવે છે.ગત વર્ષે કોરોના વોરિયર્સની થીમ પર 300 ફુટની રાખડી બનાવી હતી.