અમદાવાદ : ગત જુલાઈ 2025 માં જાહેર કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં અમદાવાદને 10 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરના પાણી વિતરણ સ્ટેશનોની આસપાસ નાગરિકો દ્વારા ફેંકવામાં આવેલા કચરાને સાફ કરવા માટે રૂ. 4.2 કરોડ ખર્ચશે. આ સ્ટેશનો શહેરની જીવાદોરી સમાન છે, જે દરરોજ સરેરાશ 1,600 મિલિયન લિટર પાણી ઘરોમાં પહોંચાડે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, AMCને જાણવા મળ્યું છે કે શહેરના વિવિધ ભાગોમાં આવેલા પાણી વિતરણના સ્ટેશનોના પરિસરો નાગરિકો દ્વારા ફેંકવામાં આવેલા કચરા અને ખાદ્ય કચરાના ઢગલાઓથી ખરાબ થઈ ગયા છે. આ કચરો ફેંકનારાઓમાં મોટે ભાગે સ્ટેશનો નજીક રહેતી સોસાયટીઓના રહેવાસીઓ હોય છે.
સફાઈ કામગીરી માટે, AMCની સ્ટેન્ડિંગ કમિટીએ છ મહિનાના અભિયાનમાં રૂ.4.2 કરોડ ખર્ચવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કમિટી સમક્ષ રજૂ કરાયેલા પ્રસ્તાવમાં જણાવાયું હતું કે,પૂર્વ ઝોનમાં 43 સ્ટેશનો, ઉત્તર ઝોનમાં 32 સ્ટેશનો, દક્ષિણ ઝોનમાં 46 સ્ટેશનો, પશ્ચિમ ઝોનમાં 41 સ્ટેશનો, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 34 સ્ટેશનો, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 18 સ્ટેશનો, મધ્ય ઝોનમાં 19 સ્ટેશનો આવેલા છે.
પ્રસ્તાવમાં જણાવાયું હતું કે AMCએ દરેક ઝોન માટે ઓપરેશન અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ એક-એક એજન્સીને આપ્યા છે. જોકે, હાલના કોન્ટ્રાક્ટમાં પાણી વિતરણ સ્ટેશનોની સફાઈ માટેની જોગવાઈ સામેલ નથી. નામ ન આપવાની શરતે AMCના એક અધિકારીએ જણાવ્યું કે, “જ્યારે AMCના અધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો પાણી વિતરણ સ્ટેશનોની મુલાકાત લે છે, ત્યારે તેઓ ગંદકી વિશે ફરિયાદ કરે છે. તેથી, અધિકારીએ જણાવ્યું કે AMCએ સ્ટેશનના કમ્પાઉન્ડની સફાઈ માટે એજન્સીઓ પાસેથી ક્વોટેશન મંગાવ્યા હતા.
અધિકારીએ કહ્યું, તેમના ભાવપત્રોમાં, દરેક ઝોનના કોન્ટ્રાક્ટરોએ 19 મહિનામાં આ કામ માટે રૂ. 14.1 કરોડનો ખર્ચ દર્શાવ્યો હતો.આ પછી, AMC કમિશનરે છ મહિનાના સમયગાળામાં સફાઈનું કામ પૂર્ણ કરવા માટે રૂ. 4.2 કરોડના ખર્ચને મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવને હવે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવમાં અન્ય શરતોની સાથે જણાવાયું છે કે કોન્ટ્રાક્ટરોએ આ કામગીરી કરવાની રહેશે.
પાણી વિતરણ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ઘાસ કાપીને તેનો નિકાલ કરવો.
ઝાંખરાં, ઝાડીઓ અને બિનઉપયોગી વનસ્પતિનો નિકાલ કરવો.
વૃક્ષોનું ટ્રિમિંગ કરવું
નાગરિકો દ્વારા ફેંકવામાં આવેલા કચરો, પ્લાસ્ટિક બેગ અને ખાદ્ય કચરો દૂર કરવો.
સ્ટેશનોની સફાઈ કર્યા પછી, તમામ કચરાનો નિકાલ યોગ્ય વાહનોનો ઉપયોગ કરીને નિર્દિષ્ટ સ્થળોએ કરવામાં આવશે.
સફાઈ કામગીરી માટે રાખવામાં આવેલા કર્મચારીઓએ નિયમિતપણે સ્ટેટસ રિપોર્ટ આપવા પડશે.
કામદારોની હાજરી બાયોમેટ્રિક સિસ્ટમ પર નોંધવામાં આવશે અને તેમને કામ કરવા માટે સાધનો અને સલામતી ગિયર આપવામાં આવશે.


