અમદાવાદ : PM મોદીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવને સાંપડેલા બહોળા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ને 17 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે 17 જાન્યુઆરી સુધી લોકો પતંગોત્સવની મજા માણી શકશે.આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ હેરિટેજ થીમ છે.યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું છે.
પતંગ મહોત્સવમાં સૌ પ્રથમ વખત અમદાવાદની હેરિટેજની થીમ પર અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે. દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં આ વખતે હેરિટેજની થીમના કારણે આધુનિકતાની સાથે સાથે અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશે.અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ પર કરાવવા માટે પોળ વિસ્તારની રેપ્લિકા ઉભી કરવામાં આવી છે. પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા, કલાત્મક બારીઓ અને જૂના પિલ્લર જેવા મટીરીયલનો ઉપયોગ કરીને આખી થીમ તૈયાર કરાઈ છે.
અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ,આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની નગરજનોને આકર્ષિત કરશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, અને ગુજરાત સહિત ભારતના 14 રાજ્યોમાંથી 871 પતંગબાજો એમ કુલ મળીને 1,071 પતંગબાજો ભાગ લેશે.આંતરરાષ્ટ્રીય મહોત્સવ જેવા રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતાં આયોજનો થકી સમગ્ર ગુજરાતની ઓળખ વૈશ્વિકસ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન ગંતવ્ય તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ની મુલાકાતે આવનારા લોકો માટે અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોન ની મુલાકાત સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિઃશુલ્ક રહેશે. બપોરના 3 વાગ્યા બાદ મુલાકાત માટે પ્રતિ વ્યક્તિ રૂ. 50 ની ફી નિર્ધારિત કરેલ છે. જેમાં સાથોસાથ સાંજે 07:00 વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણી શકાશે. જેનું બુકિંગ ઓનલાઈન ‘બુક માય શો’ ની વેબસાઇટ (https://in.bookmyshow.com/) તથા મોબાઈલ એપ્લિકેશન પર કરી શકાશે.
પતંગોત્સવ દરમિયાન ખાદ્ય અને હસ્તકલા સ્ટોલ, કાઇટ ફ્લાયિંગનું અવલોકન તથા પતંગ વર્કશોપ જેવા આકર્ષણો સૌ કોઇ મુલાકાતી ઓ માટે ખુલ્લા રહેશે.
‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ દ્વારા ગુજરાત ટૂરિઝમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’માં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે તેમ ગુજરાત ટૂરિઝમની યાદીમાં જણાવાયું છે.


