અમદાવાદ : શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટીસ હોસ્પિટલના વહેલી સવારે ICUમાં સારવાર લઈ રહેલી એક મહિલા દર્દીની હોસ્પિટલના સ્ટાફ દ્વારા છેડતી કરાતા ચકચાર મચી છે. પારિવારિક કારણોસર યુવતીએ દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. વહેલી પરોઢે જ્યારે યુવતી ગાઢ નિદ્રા અને દવાની અસરમાં હતી, ત્યારે હોસ્પિટલના કર્મચારીએ તેની લાચારીનો લાભ ઉઠાવી શારીરિક અડપલાં કરાયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી વિસ્તારમાં રહેતી યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તે છેલ્લા ઘણા સમયથી માતા પિતા સાથે પિયરમાં રહે છે અને તેના લગ્ન અનિલ (નામ બદલાવ્યું છેઃ નામના યુવક સાથે થયા હતા.અનિલ સાથે મનમેળ નહી આવતા તે પોતાના માતા પિતા પાસે રહે છે છેલ્લા ઘણા સમયથી અનિલ સાથેની બબાલને લઈને યુવતીને લાગી આવ્યુ હતું અને તેણે ઉંઘની દવા લઈને આપધાત કરવાની કોશિષ કરી હતી. યુવતીની તબીયત ખરાબ થતા તેને સાબરમતી મેટીસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.યુવતીની હાલત વધુ ખરાબ હોવાથી તેને આઈસીયુ વોર્ડમાં દાખલ કરાઈ હતી. યુવતી આઈસીયુમાં અર્ધબેભાન હાલતમાં હતી સૂઈ રહી હતી ત્યારે કોઈ વ્યકિતએ તેના શરીર પર હાથ ફેરવીને છેડતી કરી હતી.યુવતીએ જોરથી બુમ પાડતા છેડતી કરનાર શખ્સ ત્યાથી નાસી ગયો હતો.
યુવતીએ તુરંત જ પોતાના પિતાને આ અંગે જાણ કરી હતી. જ્યારે પીડિતાના પિતાએ હોસ્પિટલ સત્તાધીશો પાસે સીસીટીવી ફૂટેજ જોવાની માંગણી કરી, ત્યારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા સહકાર આપવાને બદલે ફૂટેજ બતાવવાનો સાફ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. જો કે, બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે છેડતી કરનાર શખસનું નામ ઈન્દ્રજીત રાઠોડ છે, જે અસારવા વિસ્તારનો રહેવાસી છે અને હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે.
યુવતીની તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ, પીડિતાએ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી આરોપી ઈન્દ્રજીત રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.


