અમદાવાદ : આગામી વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને ગ્લોબલ સિટી બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ દાવો કર્યો છે કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 8.45 લાખ મેટ્રિક ટન (અત્યાર સુધી) રોડનું કામ પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે. AMC દ્વારા શહેરના ઇતિહાસમાં પ્રથમવાર એક જ નાણાકીય વર્ષમાં સાતેય ઝોનમાં આટલા મોટાપાયે રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 1 એપ્રિલ 2025થી 26 જાન્યુઆરી 2026 દરમિયાન મધ્ય ઝોનમાં 30 હજાર મેટ્રિક ટન, પૂર્વ ઝોનમાં 1 લાખ મેટ્રિક ટન, ઉત્તર ઝોનમાં 74 હજાર મેટ્રિક ટન, દક્ષિણ ઝોનમાં 86 હજાર મેટ્રિક ટન, પશ્ચિમ ઝોનમાં 78 હજાર મેટ્રિક ટન, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 44 હજાર મેટ્રિક ટન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 1.35 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત, રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અલગથી 2.51 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી કરવામાં આવી છે. આમ, કુલ મળીને 8.45 લાખ મેટ્રિક ટન રોડ વિકાસ નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં વર્ષ 2025-26માં અંદાજિત કુલ 177 કિલોમીટરથી વધુના રોડ તૈયાર થયા છે. આ ઉપરાંત તમામ ઝોનમાં થઈને અંદાજિત કુલ 290 જેટલા રોડ બનાવવાનું કામ પૂર્ણ થયું છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ દર્શાવે છે કે AMC દ્વારા માર્ગ વિકાસમાં સતત વૃદ્ધિ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2021–22 દરમિયાન 5.51 લાખ મેટ્રિક ટન, વર્ષ 2022–23 દરમિયાન 7.45 લાખ મેટ્રિક ટન, વર્ષ 2023–24 દરમિયાન 7.77 લાખ મેટ્રિક ટન અને વર્ષ 2024–25 દરમિયાન 7.60 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી કરવામાં આવી હતી.
કોમનવેલ્થ ગેમ્સ 2030 જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો દરમિયાન શહેરમાં મહેમાનો, ખેલાડીઓ અને લોજિસ્ટિક્સ વાહનોનું સંચાલન સરળ અને સમયબદ્ધ રહે તે માટે મજબૂત રોડ નેટવર્ક અતિઆવશ્યક હોય છે. AMC દ્વારા હાથ ધરવામાં આવેલી આ વ્યાપક રોડ વિકાસ કામગીરી અમદાવાદને વૈશ્વિક સ્તરની આવાગમન ક્ષમતા ધરાવતું શહેર બનાવવામાં મદદરૂપ બનશે.


