અમદાવાદ : અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રવિવારે પોતાના મત વિસ્તારમાં કરોડોના વિકાસ કામોની ભેટ ધરી છે. SG હાઈવે પર ગુરુદ્વારા પાસે પશ્ચિમ વિસ્તારના રહીશોની સુવિધા માટે બોડકદેવ સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ કરવાની સાથે ઘાટલોડિયામાં રૂ. 55.31 કરોડના ખર્ચે નવનિર્મિત શહેરની સૌથી મોટી 2.50 કરોડ લિટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી જનતા માટે ખુલ્લી મૂકી છે. ઘાટલોડિયા ખાતે મહેસૂલ વિભાગની સરકારી ચાવડી તથા અન્ન અને નાગરિક પુરવઠા કચેરીનો નવનિર્મિત થનાર ભવનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે નવનિર્મિત સ્વ. બંસીભાઈ પ્રાણલાલ પટેલ બોડકદેવ સબ-ઝોનલ ઓફિસનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાને અન્ય ઉપસ્થિત મહાનુભાવો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવનિર્મિત સબ ઝોનલ ઑફિસનું નિરીક્ષણ કર્યું હતું.આ નવું વહીવટી કેન્દ્ર પશ્ચિમ ઝોનના વિસ્તારમાં આવતા નાગરિકો માટે વહીવટી સરળતાનું માધ્યમ બનશે.
આ અત્યાધુનિક સબ-ઝોનલ ઓફિસના કાર્યરત થવાથી બોડકદેવ અને તેની આસપાસના વિસ્તારના રહીશોને હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા કામકાજ માટે મુખ્ય ઝોનલ ઓફિસ સુધી જવું પડશે નહીં.આ ભવનમાં ટેક્સ કલેક્શન, સિવિક સેન્ટર અને વિવિધ વહીવટી સેવાઓ માટે અદ્યતન માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાને મળશે.આ સુવિધાથી પશ્ચિમ અમદાવાદના વહીવટી માળખામાં નોંધપાત્ર સુધારો થશે અને નાગરિકોના સમય અને શક્તિની બચત થશે.
તે ઉપરાંત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા ખાતે મહેસૂલ વિભાગની સરકારી ચાવડી તથા અન્ન અને નાગરિક પુરવઠા કચેરીનો નવનિર્મિત થનાર ભવનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. તેમજ ઘાટલોડિયામાં રૂ. 55.31 કરોડના ખર્ચે નિર્માણ થયેલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.
આ સુવિધાથી ઘાટલોડિયા ગામતળ, કર્મચારીનગર, પાવાપુરી અને સત્તાધાર સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠાની સુવિધા વધુ અસરકારક બનશે અને નાગરિકોને શુદ્ધ પાણીનો પુરવઠો મળી રહેશે.
250 લાખ લીટરની ભૂગર્ભ ટાંકી અને 25 લાખ લીટરની ઓવરહેડ ટાંકી ધરાવતું આ નવું સ્ટેશન આશરે 1.25 લાખ જેટલી વસ્તીની પાણીની જરૂરિયાત સંતોષશે અને જનજીવનને વધુ સરળ બનાવશે તેમ તંત્રએ જણાવ્યું હતું.


