અમદાવાદ : અમદાવાદથી રાજસ્થાનના પ્રખ્યાત તીર્થધામ નાથદ્વારા જતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST) દ્વારા એક શાનદાર ભેટ આપવામાં આવી છે. હવે મુસાફરો વોલ્વો જેવી લક્ઝરી સુવિધાઓનો આનંદ અત્યંત સસ્તા દરે માણી શકશે. એસટી નિગમે અમદાવાદ-નાથદ્વારા રૂટ પર નવી AC પ્રીમિયમ બસ સેવાનો પ્રારંભ કર્યો છે, જે ખાનગી ટ્રાવેલ્સ અને મોંઘી વોલ્વો બસોને સીધી ટક્કર આપશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવી એસી પ્રીમિયમ બસ અમદાવાદથી રોજ સવારે 5 વાગ્યે ઉપડશે અને બપોરે 12.30એ નાથદ્વારા પહોંચાડશે. અમદાવાદથી નાથદ્વારાના રૂટ પર આ બસ હિંમતનગર, શામળાજી, ખેરવાડા, બીચ્છીવાડા, કેશરીયાજી અને ઉદેપુર પર સ્ટોપ કરશે. નાથદ્વારાથી આ બસ બપોરે 2.30 કલાકે અમદાવાદ જવા માટે પરત ફરશે.
આ નવી એસી પ્રીમિયમ બસનું સૌથી મોટું આકર્ષણ તેનું પરવડે તેવું ભાડું છે. અમદાવાદથી નાથદ્વારા સુધીની મુસાફરી માટે મુસાફરોએ માત્ર રૂપિયા 541 ચૂકવવા પડશે. સામાન્ય રીતે વોલ્વો બસોના ભાડા ઊંચા હોય છે, પરંતુ આ પ્રીમિયમ બસમાં વોલ્વો કરતા આશરે 242 રૂપિયા સસ્તું ભાડું રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, જો કોઈ મુસાફર અમદાવાદથી ઉદયપુર જવા માંગતા હોય, તો તેમના માટે માત્ર 459 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
આ બસમાં મુસાફરોની સુવિધા માટે 2×2 આધુનિક લક્ઝરી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. 46 સીટની ક્ષમતા ધરાવતી આ બસ સંપૂર્ણપણે વાતાનુકૂલિત (AC) છે. મુસાફરીના સમયની વાત કરીએ તો અમદાવાદથી ઉપડવાનો સમય દરરોજ સવારે 5:00 વાગ્યે અને નાથદ્વારા પહોંચવાનો સમય બપોરે 12:30 વાગ્યે છે. જ્યારે નાથદ્રારાથી પરત આવવાનો સમય બપોરે 2:30 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.
આ પ્રીમિયમ બસ મુસાફરી દરમિયાન હિંમતનગર, શામળાજી અને ઉદયપુર સહિત કુલ 7 મુખ્ય સ્ટોપેજ પર ઉભી રહેશે, જેથી આસપાસના વિસ્તારના મુસાફરોને પણ આ સેવાનો લાભ મળી શકે. જે મુસાફરો એડવાન્સમાં પોતાની સીટ બુક કરાવવા માંગતા હોય, તેમના માટે એસટી નિગમની વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.
ઉનાળાની ગરમીમાં શ્રીનાથજીના દર્શને જનારા યાત્રાળુઓ માટે આ આરામદાયક અને ઝડપી મુસાફરીનો શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે.


