અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી IPL 2026 ની મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચ જોઈને મોડી રાત્રે પરત ફરતા પ્રેક્ષકોની સુવિધા માટે મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. અને મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રે 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી IPL 2026ની ડે-નાઈટ મેચને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા. 4, 17, 20, 26 અને 30 એપ્રિલ તેમજ 3 અને 12 માર્ચના રોજ યોજાનારી મેચો દરમિયાન મુસાફરોની સુવિધા માટે મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રે 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સામાન્ય દિવસોમાં અમદાવાદ મેટ્રો રાત્રે 10 વાગ્યા સુધી અને ગાંધીનગર કોરિડોરમાં રાત્રે 7:40 વાગ્યા સુધી ચાલે છે.
મોટેરા સ્ટેડિયમ પર પરત ફરતી વખતે લાંબી લાઈનોથી બચવા માટે મુસાફરો આ સ્પેશિયલ પેપર ટિકિટ દિવસ દરમિયાન જ અગાઉથી ખરીદી શકશે. આ ટિકિટો મોટેરા, સાબરમતી, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ અને મહાત્મા મંદિર સહિતના મુખ્ય મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યા પછી મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ ટ્રેનમાં પ્રવેશ મેળવી શકશે.
રૂટ અને સ્ટેશનની વિગતો
મેચ પૂર્ણ થયા બાદ મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે અલગ-અલગ કોરિડોર પર નીચે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે:
• મોટેરા સ્ટેડિયમ થી APMC: રાત્રે 22:00 થી 00:30 વાગ્યા સુધી ટ્રેન દોડશે.
• ઓલ્ડ હાઈકોર્ટ ઇન્ટરચેન્જ થી વસ્ત્રાલ ગામ: રાત્રે 22:00 થી 00:50 વાગ્યા સુધી સેવા મળશે.
• ઓલ્ડ હાઈકોર્ટ ઇન્ટરચેન્જ થી થલતેજ ગામ: રાત્રે 22:00 થી 00:50 વાગ્યા સુધી સેવા મળશે.
• ગાંધીનગર કોરિડોર (મોટેરા થી મહાત્મા મંદિર): આ રૂટ પર રાત્રે 23:40 અને 00:10 વાગ્યે સ્પેશિયલ ટ્રેન ઉપડશે.
નોંધ: રાત્રે 10:00 વાગ્યા પછી મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી જ ટ્રેનમાં બેસી શકશે. અન્ય સ્ટેશનો પર માત્ર મુસાફરોને ઉતારવામાં આવશે (Exit), ત્યાંથી નવી એન્ટ્રી મળશે નહીં.


