અમદાવાદ : શહેરના જુના વાડજમાં રહેતા વૃદ્ધ નાણાંની જરૂર હોવાથી રાજકોટ તેમના સગાને ત્યાંથી એક લાખની રોકડા લઇને પાલડીથી રીક્ષામાં બેસીને ઘરે જતા હતા. ત્યારે આશ્રમ રોડ પર આવતા રીક્ષાચાલકે તેમના સાગરિતો સાથે મળીને વૃદ્ધને છરી બતાવીને રોકડની લૂંટ કરી હતી. જે મામલે વૃદ્ધે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના જુના વાડજ પાસે સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા જશવંતભાઈ સોલંકી મોટેરા ડીમાર્ટ સામે ફેબ્રિકેશનનો વેપાર કરે છે. જશવંતભાઈને નાણાંની જરૂર હોવાથી રાજકોટમાં રહેતા તેમના બહેનના ઘરેથી એક લાખ રૂપિયા લઇને વહેલી સવારે એસટી બસ દ્વારા પાલડી ચાર રસ્તા ઉતર્યા હતા. વહેલી સવારે 5 વાગ્યે તેઓ પાલડી ખાતે બસમાંથી ઉતર્યા હતાં. જે બાદ તેમને વાડજ જવાનું હોવાથી એક રીક્ષામાં બેઠા હતા. આ રીક્ષામાં પહેલાથી જ પાછળની સીટ ઉપર ત્રણ પેસેન્જર બેઠા હતાં. જશવંતભાઈ રિક્ષામાં બેસીને પાલડી ચાર રસ્તાથી એલિસબ્રિજ થઈ જુના વાડજ જવા નીકળ્યા હતાં.
એલીસબ્રીજ દેવનંદન મોલ નજીક પહોંચતા જ પાછળની સીટમાં બેઠેલા ત્રણ શખ્સો પૈકી એક શખ્સે કમરના ભાગેથી છરી કાઢી જ્યારે બે શખ્સોએ જશવંતભાઈને પકડી રાખ્યા હતાં. જશવંતભાઈને છરી બતાવીને ‘તારા પાસે જે હોય તે આપી દે નહીં તો મારી નાખીશું’ એવું કહેતા જશવંતભાઈએ તેમના ખિસ્સામાં રહેલા 1 લાખ રૂપિયા ડરના કારણે આપી દીધા હતા.
ત્યારબાદ તેમને રિક્ષામાંથી દેવનંદન મોલ પાસે ઉતારીને રીક્ષા નહેરુનગર તરફ જતી રહી હતી. સમગ્ર મામલે જશવંતભાઈએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.


