અમદાવાદ : અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટો વિવાદ ગરમાયો છે. બહુરાષ્ટ્રીય બ્રાન્ડના ભરોસે પોતાના ઘરનું સપનું જોનારા મધ્યમ વર્ગના પરિવારોની આજીવનની મૂડી અત્યારે જોખમમાં મુકાઈ છે. મેમનગર વિસ્તારમાં ‘Godrej Properties’ દ્વારા શરૂ કરાયેલા “Godrej Celeste” પ્રોજેક્ટમાં રોકાણ કરનારા 1100 થી વધુ પરિવારો અત્યારે આર્થિક અને માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી ‘Godrej Celeste’ સ્કીમ પર પોતાના હકના ઘર અને મહેનતની કમાણી પરત મેળવવા માટે રોકાણકારોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોકાણકારોનો આરોપ છે કે, બિલ્ડર પાસે તેમના 200 કરોડથી વધુ રૂપિયા ફસાયેલા છે. અગાઉ ડિસેમ્બર મહિનામાં બિલ્ડર અને રોકાણકારો વચ્ચે બેઠક થઈ હતી, જેમાં રૂપિયા પરત કરવાની સમજૂતી સધાઈ હતી, પરંતુ એપ્રિલ મહિનો આવવા છતાં હજુ સુધી એક પણ રૂપિયો પરત મળ્યો નથી.
વિરોધ કરી રહેલા રહીશોમાં એવા અનેક લોકો છે, જેમણે લોન લઈને આ સ્કીમમાં રોકાણ કર્યું હતું. આજે પરિસ્થિતિ એવી છે કે, હાથમાં ઘર આવ્યું નથી, છતાં બેંકના વ્યાજ સહિતના હપ્તા ભરવા પડી રહ્યા છે. આ મામલે કંટાળેલા રોકાણકારોએ હવે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) થી લઈને રેરા (RERA) સુધી લેખિત ફરિયાદો કરી છે. મધ્યમ વર્ગના પરિવારો હવે સરકાર પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.


