અમદાવાદ : શહેરના મણિનગર વિસ્તારમાં રેલવે પાટા ઓળંગતી વખતે એક યુવકનું ટ્રેનની અડફેટે આવી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. સાંજના સમયે બનેલી આ ઘટનાને પગલે રેલવે ફાટક પર હાજર લોકોમાં ભારે ગભરાટ અને અરેરાટી ફેલાઈ ગઈ હતી.
રિપોર્ટ મુજબ, મણિનગર રેલવે ફાટક નંબર 308 પર સાંજે અંદાજે પોણા સાત વાગ્યાના અરસામાં ફાટક બંધ હતું. વડોદરાથી અમદાવાદ તરફ ટ્રેન પૂરઝડપે આવી રહી હોવાથી સિગ્નલ ડાઉન હતું. આ સમયે એક અંદાજે 40 વર્ષીય યુવક ઉતાવળે પાટા ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ફાટકની બંને બાજુ ઉભેલા લોકોએ યુવકને ટ્રેન આવતી જોઈ બૂમો પાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકે કોઈની વાત સાંભળી નહીં.
ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટના રેલવે ફાટક નંબર 308 પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાની શક્યતા છે, જેની મદદથી રેલવે પોલીસ વધુ તપાસ હાથ ધરશે. રેલવે પ્રશાસન દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે ફાટક બંધ હોય ત્યારે પાટા ઓળંગવા નહીં, છતાં આવી બેદરકારીને કારણે આજે એક પરિવારે પોતાનો સભ્ય ગુમાવ્યો છે.
આ સમગ્ર ઘટના રેલવે ફાટક નંબર 308 પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાની શક્યતા છે. રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


