અમદાવાદ : શહેરના જીવરાજપાર્ક બ્રિજ નીચે થયેલા હત્યાકાંડના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગત 2 મેના રોજ પુત્રવધૂના ગર્ભપાતના વિવાદના કારણે પુત્રવધૂના પિયરના લોકોએ લોખંડના પાઇપના 36 ફટકા મારીને વેવાઈની હત્યા કરી હતી. હત્યા મામલે ઝોન 7 LCB અને આનંદનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હત્યા કરનાર પત્નીના પિયર પક્ષના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ હત્યા કોઈ અજાણ્યા ગુનેગારોએ નહીં, પરંતુ મૃતક નટુ પરમારના પુત્ર કૌશિક પરમારના સસરા પક્ષે કરી છે અને આ હત્યા કરનાર અન્ય કોઈ નહીં પણ કૌશિક પરમારના મામાજી સસરા છે.હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપી જેમાં કાંતિ વાણા, ભાવેશ પરમાર અને હસમુખ વાઘેલાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, પાંચ વર્ષ જૂના પ્રેમ લગ્નનો વિવાદ હતો. નટુ પરમારના દીકરા કૌશિકે પાંચ વર્ષ પહેલા માલવિકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં.
જોકે, છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે વિવાદ ચાલ્યો આવતો હતો. આ વિવાદનું મુખ્ય કારણ માલવિકાનો થયેલો ગર્ભપાત હતો. ગર્ભપાત કઈ રીતે થયો અને તે માટે કોણ જવાબદાર છે, તે બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડા ચાલતા હતાં. આ જ અદાવતમાં માલવિકાના સંબંધીઓએ નટુ પરમારની હત્યા કરી હતી.આરોપીઓએ પોલીસ પકડથી બચવા માટે મોટો પ્લાન બનાવ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપીઓ બાઇક લઈને રાણીપ પહોંચ્યા, ત્યાં બાઇક મૂકીને બસ સ્ટેન્ડથી બનાસકાંઠા ફરાર થઈ ગયા હતાં. પોલીસને થાપ આપવા માટે તેઓ સતત લોકેશન બદલતા હતા અને નાના ગેસ્ટ હાઉસ કે મંદિરોમાં આશરો લેતા હતાં.
જોકે, ઝોન 7 LCB અને આનંદનગર પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે કાંતિ વાણા, ભાવેશ પરમાર અને હસમુખ વાઘેલાને બનાસકાંઠાથી દબોચી લીધા છે, જ્યારે કેતન ગળચોટ હજુ પણ પોલીસ પકડથી દૂર છે જેને પકડવા માટે ચક્રોગતિ કર્યા છે.


