અમદાવાદ : શહેરના વ્યસ્ત નહેરુનગર ચાર રસ્તા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, પૂર્વ DySP એ. ડી. ચૌહાણ દ્વારા ફાયરિંગ કરાયું હોવાની માહિતી સામે આવી રહી છે. સદનસીબે આ ગોળીબારમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.ઘટનાની ગંભીરતાને પગલે સેટેલાઈટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના એસીપી (ACP) સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે નિવૃત્ત અધિકારીનું હથિયાર કબજે કરી પૂછપરછ શરૂ કરી છે અને આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટ મુજબ, વિવાદિત જમીન પર બંને પક્ષોના આશરે પાંચથી છ લોકો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. આ વિવાદ એટલો વધી ગયો કે ત્યાં હાજર પૂર્વ DySP અશ્વિન ચૌહાણે પોતાની પિસ્તોલ કાઢીને હવામાં એક પછી એક એમ પાંચ રાઉન્ડ (બે રાઉન્ડ નીચે જમીનમાં અને ત્રણ રાઉન્ડ ઉપર હવામાં) ફાયરિંગ કરી દીધું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ગંભીર ઈજા થઈ નથી.
અમદાવાદ શહેરની વચ્ચે ધોળે દિવસે ફાયરિંગની ઘટના બનતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા જ સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે બંને પક્ષના અંદાજે 10 જેટલા લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન ભેગા કર્યા હતા.
પૂર્વ DySP સામે આ ફાયરિંગ કરવા બદલ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલને કબજે કરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ બંને પક્ષોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઘટનાની સત્યતા તપાસવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. આ જમીનની માલિકી અને કબજા અંગેના વિવાદની ઉંડાણપૂર્વક તપાસ ચાલુ છે.


