અમદાવાદ : અમદાવાદ શહેરમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક પોલીસે નવી પહેલ કરી છે. શહેરને ટ્રાફિક અને સિગ્નલ મુક્ત બનાવવાની દિશામાં તંત્રએ એક મહત્વનું પગલું ભર્યું છે. આ માટે શહેરના અલગ-અલગ 30 જેટલા વિસ્તારોમાં ‘કેપ્સ્યુલ સિસ્ટમ’ અમલી બનાવવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી વાહનચાલકોના સમયની બચત થશે અને રસ્તાઓ પર વાહનોનું ભારણ પણ ઘટશે.
અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP નરેશ કણઝરિયા મુજબ, નવી વ્યવસ્થામાં શહેરના અલગ-અલગ 30 જગ્યા પર કેપ્સ્યૂલ સિસ્ટમ અમલમાં મુકાઈ છે, જેનાથી ટ્રાફિકમાં રાહત થઈ છે. હવે આજથી એસ.જી. હાઈવે પર સોલા સિવિલ હોસ્પિટલના સર્કલથી આશરે 100 મીટર આગળ કટ આપવામાં આવ્યો છે. અગાઉ આ ચાર રસ્તા પર વાહનચાલકોએ સિગ્નલ ખુલવાની રાહમાં 120 સેકન્ડ સુધી ઊભા રહેવું પડતું હતું. જોકે, કેપ્સ્યુલ સિસ્ટમ શરૂ થતાં હવે વાહનચાલકો માત્ર 40 સેકન્ડમાં રસ્તો ક્રોસ કરી શકશે. આ રીતે વાહનચાલકોના અંદાજે 80 સેકન્ડ બચશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે.
એસ.જી. હાઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલ સામેના સર્કલ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા ટ્રાફિક વિભાગે આ વ્યવસ્થા ગોઠવી છે. નવી સિસ્ટમ મુજબ વાહનચાલકો સર્કલ પરથી સીધો ટર્ન લઈ શકશે નહીં, પરંતુ ચાર રસ્તાથી બંને બાજુએ 100થી 150 મીટર આગળ બનાવાયેલા કેપ્સ્યૂલ આકારના કટ પરથી સરળતાથી યુ-ટર્ન લઈ શકશે.જોકે, કેપ્સ્યુલ સિસ્ટમ શરૂ થતાં હવે વાહનચાલકો માત્ર 40 સેકન્ડમાં રસ્તો ક્રોસ કરી શકશે.
આ વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એમ્બ્યુલન્સને થશે. અગાઉ ટ્રાફિક સિગ્નલના કારણે એમ્બ્યુલન્સને પણ લાંબા સમય સુધી અટકવું પડતું હતું. હવે કેપ્સ્યુલ સિસ્ટમના કારણે એમ્બ્યુલન્સને સરળતાથી રસ્તો મળી શકશે અને તે અંદાજે 40 સેકન્ડમાં આ માર્ગ ક્રોસ કરી શકશે. સિવિલ હોસ્પિટલ તરફ જતી એમ્બ્યુલન્સ માટે પણ આ વ્યવસ્થા અવરોધરૂપ બનશે નહીં.
ટ્રાફિક પોલીસે વાહનોની ગતિ વધારવાની સાથે રાહદારીઓની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે. રસ્તો ઓળંગતા સામાન્ય નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાહદારીઓ માટેની સિગ્નલ વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે. ટ્રાફિક પોલીસનો આ પ્રયોગ સફળ રહેતા આગામી સમયમાં શહેરના અન્ય વ્યસ્ત રસ્તાઓ પર પણ આવી સુવિધા ઊભી કરાશે.


