અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યને ડ્રગ્સ મુકત બનાવવા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ સામે તંત્રએ લાખ આંખ કરી હતી. સરખેજમાં નાર્કોટિક્સના આરોપીઓના સરકારી જમીન પર ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.હવે પોલીસની આ કાર્યવાહીથી નશાના ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદના સરખેજ વિસ્તારમાં નશાકારક પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલા આરોપીઓ સામે પોલીસ અને AMCએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. સન્યાસ આશ્રમ અને કૈલાશ આશ્રમ નજીક આવેલી વસાહતમાં સરકારી જમીન પર ગેરકાયદે રીતે બનાવવામાં આવેલા 2 મકાનોને તોડી પાડવામાં આવ્યાં હતાં.ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યવાહીના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ જ વિસ્તારમાં 2025માં પણ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરીને છ રહેણાંક મકાનો અને નવ કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, આરોપીઓ દ્વારા ત્યાં ફરીથી ગેરકાયદે બાંધકામ કરીને નશાની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવતા પોલીસે ફરી એકવાર કડક વલણ અપનાવ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સૂચના મુજબ નાના-મોટા તમામ ડ્રગ્સ પેડલરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા નશાકારક પદાર્થોનું વેચાણ કરતાં ઈસમો પર નજર રાખવામાં આવશે અને તેમની ગેરકાયદે મિલકતોની પણ તપાસ કરાશે. જો ગેરકાયદે મિલકતો સામે આવશે તો તેના પર પણ બુલડોઝર ફેરવવામાં આવશે.
આ કાર્યવાહી વચ્ચે દાણીલીમડામાંથી ક્રાઈમ બ્રાન્ચે નશીલા પદાર્થોનું વેચાણ કરતી મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે તેની પાસેથી 45,890 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પોલીસે કુલ મળીને 1.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહિલા પોતાના ઘરે એમડી ડ્રગ્સ રાખીને તેનું વેચાણ કરતી હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.


