અંબાજી : આજથી દેશભરમાં ગુપ્ત મહા મહિનાની નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે આ નવરાત્રીમાં શક્તિની સાધનાનું ઘણું મોટું મહત્વ છે.સનાતન ધર્મ મા આ નવરાત્રીને સૌથી પવિત્ર માનવામાં આવે છે.ચૈત્ર અને આસો માસ સિવાયની મહા અને અષાઢ માસની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી થી ઓળખવામાં આવે છે.
વર્ષમાં કુલ ચાર વખત નવરાત્રિ આવે છે. જેમાંથી ચૈત્ર અને શારદીય નવરાત્રિને ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે. જ્યારે માઘ અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રી ગુપ્ત રીતે મનાવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિને ગુપ્ત સાધના અને વિદ્યાઓની સિદ્ધી માટે મહત્વની માનવામાં આવે છે. આ વખતે માઘ મહિનામાં ગુપ્ત નવરાત્રિ 22 જાન્યુઆરીથી લઇને 30 જાન્યુઆરી સુધી રહેશે.
અંબાજી મંદિર ખાતે ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. આજે ગુપ્ત નવરાત્રી પ્રસંગે પણ અંબાજી મંદિરમાં પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.અંબાજી મંદિરની હવનશાળામાં ઘણા ભક્તોએ નવચંડી યજ્ઞ કરાવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી માઈ ભક્તોને કોઈ પણ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરાઈ હતી.