અમદાવાદ : શહેરના સરસપુર વિસ્તારમાં ધાર્મિક યંત્ર બિઝનેસની આડમાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. LED ટીવી ઉપર ઓનલાઇન જુગાર રમતા 7 લોકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીઓ અલગ અલગ ધાર્મિક યંત્રનાં ચિન્હો ઉપર ઓનલાઇન જુગાર રમાડતા હતા. 10 ચિન્હો પૈકી 1 ચિન્હ આવે તો 10 ગણા રૂપિયા પરત આપતા હોવાનું જાણી પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરકોટડા પોલીસને બાતમી મળી હતી કે સરસપુરના પોટલિયા ચાર રસ્તા ખાતે એક દુકાનમાં હેમંતકુમાર રાજબલાઈ કમ્પ્યૂટરમાં કોઈ એપ્લિકેશનથી અલગ અલગ ધાર્મિક યંત્રનાં ચિન્હ વડે જુગાર રમાડે છે. આ બાતમીના આધારે શહેરકોટડા પોલીસે દરોડા પાડ્યા હતા. હેમંતકુમાર રાજબલાઈ નામની વ્યક્તિ આ જુગારધામ ચલાવતી હતી, જેમાં દુકાનમાં રાખવામાં આવેલ LED ટીવી સ્ક્રીન પર અલગ અલગ યંત્રના ફોટો બતાવવામાં આવે છે, જેને એકથી 10ના ક્રમ આપવામાં આવે છે, જેમાં જે આંકડો જાહેર કરવામાં આવે છે તેમાં 11 રૂપિયા લગાડવામાં આવેલ હોય તેના બદલામાં 10 ગણા રૂપિયા રોકડા આપવામાં આવે છે અને જેને આંક ન લાગે તે ગ્રાહક પૈસા હારી જાય છે. દર પંદર મિનિટે આ ડ્રો કરવામાં આવતો હતો.
પોલીસે જુગારધામ પર દરોડા દરમિયાન હાર-જીતના ફેરમાંથી મેળવેલા રૂ. 7910, ઇલેક્ટ્રોનિક સાધનો રૂ. 19,450ની કિંમતનાં અને અંગ જડતીના રોકડા રૂપિયા 10 હજાર મળીને કુલ 80,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.ધાર્મિક યંત્રના જુગારધામ પરથી જુગાર રમાડનાર હેમંતકુમાર રાજબલાઈ સહીત દેવરથ ઉર્ફે કલ્લુ, મૂકેશ લેઉઆ, દીપક થોરાટ, નીલેશ ઠાકોર, ઇરફાન મનસૂરી, શૈલેશ ઠાકોર નામના જુગારીઓને ઝડપી લીધા છે.દર 15 મિનિટે લકી ડ્રો થતો, જેમાં ભાગ્યે જ કોઈને 10 ગણા પૈસા મળતા. LEDના સ્ક્રીન પર 10 યંત્ર ઓનલાઈન દેખાતા હતા.
દરેક યંત્રનો દર 15 મિનિટે લકી ડ્રો થતો હતો, જેમાં ભાગ્યે જ કોઈને 10 ગણા પૈસા મળતા હતા. મોટાભાગના લોકો એક વાર લાગશે તેમ સમજીને વારંવાર જુદા જુદા યંત્ર પર પૈસા લગાવતા હતા, જેમાં 10 રૂપિયા લગાવવાના ચક્કરમાં વારંવાર પ્રયાસો કરી કોઈ 100 રૂપિયા સુધી પણ લગાવી દેતા હતા. જોકે, એક વાર આની લત લાગી જાય, તો બીજી વાર લાલચમાં ખેંચાઈને જતા હોય છે. તો, શહેરમાં શરૂ કરવામાં આવેલ યંત્રના નામે જુગારમાં ઓનલાઇન વરલી-મટકાનો જુગાર ખુલ્લેઆમ બેરોકટોક ચાલી રહ્યો છે.