અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર બેદરકારી ભરી રીતે પૂરપાટ ઝડપે કાર હંકારીને લોકોને અડફેટે લેનારા તથ્ય પટેલની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ તથ્ય પટેલના એકબાદ એક કારનામા સામે આવી રહ્યા છે. જેમાં હાલમાં જ તથ્ય પટેલે 31મી ડિસેમ્બરની રાત્રે શીલજ રોડ પર અકસ્માત સર્જ્યો હોવાની વિગતો સામે આવી હતી. ત્યારે હવે આ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે વધુ એક FIR નોંધવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, સાંતેજ પોલીસ સ્ટેશનમાં તથ્ય પટેલ સામે વધુ એક FIR નોંધાઈ છે. જે મુજબ, બળિયાદેવ મંદિરની આગળની સાઇડના એક પિલરમાં કાર ઘુસાડી દીધી હતી.જેના કારણે મંદિરનો ધાબાનો ભાગ નમી ગયો હતો અને મંદિરને ખાસ્સુ નુકસાન થયું હતું. જો કે તે વખતે મંદિરને નુકસાન કરનાર ગાડી નંબર કે અન્ય માહિતી ના હોઇ ગામમાંથી કોઇએ ફરિયાદ કરી ન હતી. પરંતુ તાજેતરમાં તથ્ય પટેલના કારનામાનાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.જેમાં તથ્ય પટેલના મિત્રોએ તથ્યએ બળીયાદેવના મંદિરમાં કરેલા આ અકસ્માતનો ખુલાસો કર્યો. જેના પગલે મણાજી ઠાકોરે ઉક્ત અકસ્માત સંદર્ભે તથ્ય પ્રજ્ઞેશભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ અગાઉ તથ્ય પટેલ વિરુદ્ધ બીજી ફરિયાદમાં સિંધુભવન રોડ પર 20 દિવસ અગાઉ થાર કાર કેફેની દિવાલમાં ઘુસાડી દેવાનો કેસ નોંધાયો હતો. આ કેસમાં પણ મોડી રાત્રે તથ્ય પટેલ કાર બેદરકારી ભરી રીતે હંકારીને દિવાલમાં ઘુસાડી દીધી હતી. મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ તેણે કેફે માલિકને પૈસા આપીને કેસને રફેદફે કરાવી દેતા FIR નોંધાઈ નહોતી, જોકે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.