ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ હવે 15 જાન્યુઆરી સુધી લંબાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શ્રદ્ધાળુઓના ભારે ધસારા અને આસ્થાને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે વધુ 4 દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો અને શિવભક્તિની આ પવિત્ર વણઝાર ચાલુ રહેશે, જેથી દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ આ ઐતિહાસિક પર્વનો લાભ લઈ શકશે.
પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઐતિહાસિક રીતે ઉજવણી થઈ રહી છે.જેમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાને આજના તેમના વક્તવ્યમાં પણ લોકોની શ્રદ્ધા આસ્થા અને ભગવાન ભોળાનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટેનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમજ લોકોની લાગણી અને માગણી ધ્યાનમાં રાખી અને આ પર્વની ઉજવણી 15 જાન્યુઆરી સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
આ પર્વ અન્વયે વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ ‘શૌર્યયાત્રા’માં એક લાખ કરતા વધુ લોકો સહભાગી થયા હતાં અને ભગવાન શિવની ભક્તિમાં લોકો લીન થયા હતાં.તા. 8થી 11 જાન્યુઆરી સુધી જે રીતે કાર્યક્રમો યોજાયાં હતાં. એ જ શૃંખલામાં તા. 15 જાન્યુઆરી સુધી આ અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેમાં સમગ્ર ભારત દેશમાંથી શ્રદ્ધાળુઓ સહભાગી થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્રના સફળ પ્રયત્નોને કારણે આ પર્વ સફળતાથી ચાલ્યું છે.ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓને અનેકવિધ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર સાથે રોશનીનો રોમાંચ પણ માણવા મળશે.


