અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રિની આઠમ ની પૂજા અને દર્શન નો વિશેષાધિકાર માત્ર દાંતા મહારાજા અને એમના વંશજોને નહીં, હવેથી નવરાત્રી ની આઠમના દર્શનનો લાભ તમામ ભક્તો પણ લઈ શકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અત્યાર સુધીની પરંપરા મુજબ આસો માસની નવરાત્રિની આઠમની વિશેષ પૂજા અને દર્શનનો વિશેષાધિકાર માત્ર દાંતાના મહારાજા અને તેમના વંશજો પાસે જ હતો. આ સમયે સામાન્ય ભક્તો માટે દર્શન પર મર્યાદાઓ રહેતી હતી. વર્ષોથી ચાલી આવતી આ પ્રથાને કારણે રાજવી પરિવાર આ પૂજાનો હક ધરાવતો હતો.
તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે આ બાબતે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે નવરાત્રિની આઠમની પૂજા અને દર્શનનો અધિકાર માત્ર રાજવી પરિવાર પૂરતો સીમિત રહેશે નહીં. હવેથી તમામ સામાન્ય ભક્તો પણ આઠમની મહાપૂજા અને દર્શનનો લાભ લઈ શકશે. ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને કોર્ટે આ દર્શનનો વ્યાપ વધારવાનો નિર્ણય લીધો છે.
મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર હવે હાઈકોર્ટના આ આદેશના અમલીકરણ માટેની તૈયારીઓ કરશે. આ નિર્ણયથી લાખો માઈભક્તોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે હવે તેમને આઠમની પવિત્ર પૂજાના દર્શનનો લ્હાવો મળી શકશે.


