ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી મામલે હવે શાળાઓની મનમાની નહિ ચાલે. સાથે જ હવે ખાનગી શાળાઓ ફી છુપાવી પણ નહિ શકે. કારણ કે, ગુજરાતની 5,780 ખાનગી શાળાઓની ફી નક્કી કરાઈ છે, અને તે FRC ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે સ્કૂલ ફી મામલે FRC કડક બની છે. વધુ પ્રમાણમાં વસૂલાતી ફીને કારણે અને તેના પર અંકુશ મૂકવા માટે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની 5780 ખાનગી શાળાઓએ કેટલી ફી વસૂલવી તેની માહિતી FRCની સત્તાવાર વેબસાઇટ પર મૂકી દેવાઈ છે. જેથી દરેક વાલી આ વેબસાઈટ થકી સ્કૂલ ફી ચેક કરી શકશે.
FRC ઝોન અમદાવાદે તેના પોર્ટલ પર એક વિશેષ ડેશબોર્ડ તૈયાર કર્યું છે. જ્યાં તમામ શાળાઓની નિર્ધારિત ફીના ઑર્ડર મૂકવામાં આવ્યા છે. વાલીઓ હવે ઘરે બેઠા જ પોર્ટલ પર જઈને શાળાનું નામ સર્ચ કરીને જે-તે વર્ષનો ફી ઑર્ડર જોઈ અને મેળવી શકે છે. સરકારની આ નીતિનો હેતુ વાલીઓને ફી બાબતે અવગત કરવાનો અને શાળાઓ દ્વારા લેવામાં આવતી ફીમાં પારદર્શિતા જાળવવાનો છે.
આ વેબસાઈટ પર ચેક કરી શકાશે
http://frcgujarat.org/ પરથી તમારી સ્કૂલનું નામ સર્ચ કરીને તેની ફીની વિગતો જાણી શકાય છે. હવે FRCની વેબસાઇટ પર ફી જાહેર થતાં વાલી-વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ સ્કૂલ નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે, જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે.
હવે કોઈ પણ શાળા FRC દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતાં વધારે રકમ વસૂલી શકશે નહીં. જો વાલીઓ સ્વૈચ્છિક રીતે કોઈ વૈકલ્પિક પ્રવૃત્તિઓ રાખવા માંગતા હોય, તો જ તેની અલગ ફી લઈ શકાય છે. મહત્ત્વની વાત એ છે કે, જો કમિટી દ્વારા કોઈ શાળાની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હોય અને અપીલ પછી પણ જો તેમાં ફેરફાર ન થાય, તો શાળાઓએ વધારાની લીધેલી ફી વાલીઓને પરત કરવાની રહેશે અથવા આગામી ફીમાં એડજસ્ટ કરવાની રહેશે. આ માટે શાળાઓએ સત્વરે કાર્યવાહી કરવાની રહેશે તેવું સૂચવવામાં આવ્યું છે.


