ગાંધીનગર : ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી માંગને વકરતી જોઇને સરકાર દ્વારા ઝવેરી પંચનો રિપોર્ટ જાહેર કરવાની જાહેરાતની સાથે સાથે OBC અનામત અંગે પણ મોટી જાહેરાત કરી હતી. પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ઝવેરી પંચના રિપોર્ટની અસરકારક તપાસ કરવામાં આવી છે. ઓબીસીને 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી હતી. ST અને SC અનામત યથાવત્ત રાખવાની પણ ભલામણ કરવામાં આવી હતી. જેનો રાજ્ય સરકારે સ્વિકાર કરી લીધો છે. આ નિર્ણય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી જ લાગુ પડી જશે.
આ અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આયોગની રચના કરવામાં આવી છે. ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાવાર અનામત આપી છે, કુલ બેઠકો કરતાં 50 ટકાથી વધે નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 2022માં ઝવેરી કમિશનની રચના કરવામાં આવી અને 2023માં અહેવાલ મળ્યો અને 3 મહિનામાં આ ભલામણનો અભ્યાસ કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. 27 ટકા અનામત અનુસુચૂતિ જનજાતિ અને અનુસુચૂતિ જાતિ અને અન્ય પછાત વર્ગ માટે જે બેઠક છે તે માટે ભલામણ કરી છે, એટલે કે SC, ST અનેOBC માટે 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે.
ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ માટેની અનામતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત કમિટીએ SC-ST અને અન્ય પછાત વર્ગ માટે કુલ 50 ટકા અનામતની ભલામણ કરી છે. તેમાંથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 50 ટકામાંથી 27 ટકા OBCને અનામત આપવાની ભલામણ કરવામાં આવી છે.