અંબાજી : મંદિરમાં અપાતો મોહનથાળનો પ્રસાદ છેલ્લા લાંબા સમયથી વિવાદમાં છે. અગાઉ આ પ્રસાદ બંધ કરી દેવાના કારણે વિવાદ ચગ્યો હતો તો હવે આ મોહનથાળમાં વપરાતા ઘીમાં ભેળસેળની ઘટના બાદ વિવાદ ચગ્યો છે. જો કે સરકાર લોકસભા ચૂંટણીને જોતા હવે આ વિવાદને અગાઉના વિવાદની જેમ લાંબો ખેંચાવા માંગતી નથી. તેથી તત્કાલ ધોરણે સમગ્ર કોન્ટ્રાક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યો છે.
મંદિર ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું કે, અગાઉ વર્ષ 2012થી 2017 સુધી શ્રી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને અંબાજીમાં મોહનથાળ પ્રસાદ સંચાલનની કામગીરી કરેલી છે. ત્યારે વધુ એક વખત આ કોન્ટ્રોક્ટ એજન્સીને છ માસમાં માટે આપવામાં આવ્યો છે. જે ટચ ફાઉન્ડેશન અક્ષયપાત્રનો જ એક ભાગ છે. મોહનથાળની ગુણવત્તા અને પલબ્ધતા જળવાઈ રહે તે વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી હોઈ ટચ સ્ટોન ફાઉન્ડેશનની દરખાસ્ત અન્વયે મંદિર ટ્રસ્ટ ધ્વારા સરકારમાં આ કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવા 29 સપ્ટેમ્બરે 2023ના પત્રથી ભલામણ કરી હતી. જે બાબતે તારીખ 3 ઓક્ટોમ્બર 2023ના પત્રથી અંબાજી મંદિરના પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને છ માસ માટે સોંપવા અનુમતિ મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2012 થી 2017 સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશને જ અંબાજીમાં મોહનથાળના પ્રસાદના સંચાલનની કામગીરી કરી હતી. જો કે હવે વધારે એક વખત આ કોન્ટ્રાક્ટ એજન્સીને ફાળવવામાં આવ્યો છે. અત્રે ઉળ્લેખનીય છે કે, અક્ષયપાત્ર ફાઉન્ડેશન સરકારનાં અન્ય ઘણા મોટા કોન્ટ્રાક્ટ સાથે પણ સંકળાયેલું છે.