પાવાગઢ : આસો નવરાત્રિ દરમ્યાન પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો હોય છે. આ સમયગાળા દરમ્યાન ગુજરાત સહીત પાડોશી રાજ્યોના માઈભક્તો પણ પાવાગઢ ખાતે દર્શન માટે ઉમટી પડે છે. ત્યારે આસો નવરાત્રિ દરમ્યાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનનો સમયગાળો નક્કી કરાયો છે. આસો નવરાત્રીને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
માઈભક્તો માટે મળતી માહિતી અનુસાર, આસો નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો સુદ એકમથી પૂનમ સુધી દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમનાં રોજ નિજ મંદિરનાં દ્વારા સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રિના 9 કલાક સુધી માતાજીના દર્શન કરી શકાશે. જ્યારે અન્ય દિવસો દરમિયાન મંદિરનાં દ્વાર સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રિના 9 ક્લાક સુધી મંદિરનાં દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
પાવાગઢ ખાતે નવરાત્રિમાં મોટેભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં માઈભક્તો દર્શન માટે ઉમટતા હોય છે. અહીંથી ભક્તો પોતાના રાજ્યોમાં પાવાગઢથી અખંડ જ્યોત લઇને પોતના વતનમાં જવાનું માહાત્મ્ય છે. જ્યાં અહીંથી લઇ જવાયેલ અખંડ જ્યોતની નવરાત્રિના નવ દિવસ સુધી પૂજા અર્ચના થાય છે અને બાદમાં તેનું વિસર્જન થાય છે. તેથી પાવાગઢમાં નવરાત્રિમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે.