ગાંધીનગર : PM નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને પ્રાધાન્ય આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતને એસટી દ્વારા 2000 જેટલા UPI પેમેન્ટ મશીનનો અમલ કરીને બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે ટિકિટ સેવાનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવામાં આવ્યો છે. આ UPI પેમેન્ટના અમલથી બસમાં મુસાફરી કરતા મુસાફરો અને કંડકટરને રોકડ અથવા છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળવાની સાથે સમયની પણ બચત થશે તેમ, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્યના મુસાફરોની સુવિધામાં વધારો કરવા ગાંધીનગર એસટી ડેપોમાંથી વધુ 40 નવીન નૂતન રેડી બિલ્ટ મિડિ 2X2 બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેઓએ કહ્યું હતું કે, દૂરદૂરના ગામડા-શહેરોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ, યુવક-યુવતીઓ તેમજ વડીલોને મુસાફરીની શ્રેષ્ઠ અને સલામત સવારી માટે ગુજરાત એસટીની હજારો બસો કાર્યરત છે. ગુજરાત એસટી નિગમ દ્વારા નવી 400 બસ પૈકી બાકીની 40 બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વધુ 2000 જેટલી નવીન આધુનિક બસો નાગરીકોની સેવામાં ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ, પ્રવાસન ધામોમાં જવા-આવવા માટે વધુને વધુ નવીન બસોની સુવિધા શરૂ કરવામાં આવશે જેથી ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે તેમ મંત્રી એ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિયત માપદંડ સાથે તૈયાર કરાયેલી ભારત સ્ટેજ-૬ રેડી બિલ્ટ મિડિ 2X2 બસમાં 33 આરામદાયક બેઠક વ્યવસ્થા, લેગ રૂમ, ઇન્ટીરીયર પેનલીંગ, સર્વિસ ડોર, રીવર્સ કેમેરા,વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ-પેનિકબટન, એક્શટીગ્યુશર બોટલ, ફાયર ડીટકશન એન્ડ એલાર્મ સિસ્ટમ, ઈમરજન્સી ડોર, સહિતની સુવિધા ઉપલબ્ધ છે જેની પ્રતિ બસ કિંમત અંદાજે રૂ. 27 લાખ છે.