નર્મદા : આ દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી એકતા નગર બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં 1.53 કરોડ પ્રવાસીઓ નોંધાઈ ચુક્યા છે. ગુજરાતી પ્રવાસીઓ સહીત અન્ય પ્રવાસીઓ નર્મદા જિલ્લાને પસંદ કરતા થયા છે. તેને કારણે જ નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડિયા દિવાળીની રજાઓમાં પ્રવાસીઓની ચલપહલથી ધમધમી ઉઠ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે બનાવેલ જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક, જેવા તમામ 17 પ્રોજેક્ટો પણ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દિવાળીની રજાઓમાં દૂર ફરવા જવાને બદલે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરતા થયા છે અને અહિયાનું વાતાવરણ પણ ખૂબ સુંદર છે. એટલે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ આ સ્થળ ખૂબ પસંદ કરે છે. પ્રવાસીઓ દિવાળી ઉજવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પસન્દ કરી રહ્યા છે.
નર્મદા જિલ્લામાં કેવડીયા સ્થિત એકતાનગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ દુનિયાથી પ્રવાસીઓ આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે વિશ્વના તમામ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ષ 2023 માં જાન્યુઆરીથી ઓક્ટોમ્બર સુધીમાં સૌથી વધુ 31.92 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
અહીં આવતા પ્રવાસીઓ એ કારણે પણ ખુબ ખુશ છે કે અત્યાર સુધી તેમને જે મુલાકાત લીધી તે ઐતિહાસિક અને જુના વર્ષો પહેલા બનેલા હતા. જ્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી તાજેતરમાં અને પોતાની હયાતીમાં બનેલું હોવાથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો…
વર્ષ-2018માં 4.53 લાખ
વર્ષ-2019માં 27.45 લાખ
વર્ષ-2020માં 12.81 લાખ
વર્ષ-2021માં 34.29 લાખ
વર્ષ-2022માં 41.32 લાખ
વર્ષ-2023માં 31.92 લાખ
એમ કુલ 1.53 કરોડ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આસપાસના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી છે.