અમદાવાદ : અમદાવાદમાં આજે થર્ટીફર્સ્ટની શહેરભરમાં ઉજવણી થશે, ત્યારે રાત્રે નીકળો ત્યારે કયા રસ્તે વાહન લઈને જવું અને કયા રસ્તે ડાઇવર્ઝન આપવામાં આવ્યો છે એને લઈને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આજે અમદાવાદમાં થર્ટીફર્સ્ટની ઉજવણી માટે રાત્રે CG રોડ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના હોવાથી સાંજે 6 વાગ્યાથી CGરોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી માર્ગ વાહનો માટે બંધ રહેશે. આ ઉપરાંત આજ રાતે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી 3 વાગ્યા સુધી SG હાઈવે પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વાહન પણ પાર્ક થઈ શકશે નહીં.
સીજી રોડ પરનો વૈકલ્પિક રૂટ
સમથેશ્વર મહાદેવથી બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તા થઇ સમથેશ્વર મહાદેવ તરફ આમને-સામને બંને બાજુ રોડ ચાલુ રાખીને CG રોડ ક્રોસ કરી શકશે, પરંતુ સીજી રોડ ઉપર વાહન હંકારી શકાશે નહીં અને 8 વાગ્યાથી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.
મીઠાખળી સર્કલથી ગિરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ રોડ તેમજ નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તિક ચાર રસ્તા થઈ કોમર્સ 6 રસ્તા આમને-સામને બન્ને બાજુ રોડ ચાલુ રાખીને CG રોડ ક્રોસ કરવાનો રહેશે, પરંતુ CG રોડ ઉપર વાહન હંકારી શકાશે નહીં અને 8 વાગ્યાથી સદંતર વાહનવ્યવહાર બંધ કરવામાં આવશે.
CG રોડ ઉપર આવેલી કાયદેસરની બન્ને બાજુ જે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે એ પાર્કિંગ વ્યવસ્થા કલાક 6 વાગ્યાથી બંધ રહેશે.