સોમનાથ : મહાશિવરાત્રીને ધ્યાને રાખી દેવાધિદેવના દર્શનાર્થે આવતા ભાવિકો માટે મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે. આ દિવસે મંદિર દ્વારા અનેક આયોજનો કરવામાં આવ્યા છે. સવારે 4 વાગ્યાથી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે તેમજ અનેકવિધ ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા છે.મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ મંદિર ખાતે વેદોક્ત મંત્રોચ્ચાર, અષ્ટાધ્યાયી, રુદ્રાભિષેક સહિતના કાર્યક્રમોથી મંદિર સતત ભક્તિભાવથી ગુંજતું રહેશે. શિવરાત્રિની રાત્રે ચારેય પ્રહરની મહાઆરતી કરવામાં આવશે તેમજ નૂતન ધ્વજારોહણ, પાલખીયાત્રા સહિતના કાયક્રમો યોજાવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારે 4 વાગ્યે મંદિર ખુલી જશે. સવારે 7 વાગ્યે પ્રાત: આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજાપૂજા અને પાલખી પૂજા કરી 9.30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં વિરાજમાન કરી દર્શનાર્થીઓ માટે પાલખીયાત્રા યોજાશે.
આ દિવસે સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે. મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંપરા અનુસાર જ મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.
ત્યારે મહાશિવરાત્રિ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને 25₹ની ન્યોછાવર રાશિથી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોના આપેલા એડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે.ત્યારે મહાશિવરાત્રી પર સોમામથ ટ્રસ્ટની આ આઇકોનિક 25₹ બિલ્વપૂજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિની સવાર સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે. ત્યારે આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ https://somnath.org/ShortTermPooja/ અથવા આપેલ QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે.
મહાશિવરાત્રી પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થીવેશ્વર શિવલિંગ પૂજા કરાવવામાં આવશે. જેમા આકાશ, અગ્નિ, જલ, પૃથ્વી, અને હવા એમ પંચ મહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગ દ્વારા ભકતોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવી હતી.
આ વર્ષે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાને લઈ સવારે 08:00 થી 09:00 વાગ્યે નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પાર્થીવેશ્વર શિવલિંગ પૂજાનું આયોજન કરાયુ છે. આ પૂજામાં નોંધણી કરાવવા માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.