વડોદરા : લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે જીવી સ્થીતી સર્જાઇ છે. BJP દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ કોંગ્રેસને વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવાર નથી મળી રહ્યા. આ બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી. કોંગ્રેસ જે ચહેરાને ઉતારવા માગે છે તેમણે ના પાડી દીધી હોવાની વાત સામે આવી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટે બાકીના ઉમેદવારોની પસંદગી કરવામા આવી રહી છે કેટલાક ઉમેદવારોના નામ ફાઈનલ કરી દેવામા આવ્યા છે જો કે ગુજરાતની બહુચર્ચિત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને લઈને ગોથે ચઢી છે કેમકે આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે જે દિગ્ગજ નેતાઓના નામ ચર્ચામાં હતા તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. જેમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત, નરેન્દ્ર રાવત, જશપાલસિંહ પઢિયાર ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. જ્યારે ઋત્વિજ જોશી, ગુણવંત પરમાર, ભીખા રબારી આ બેઠક પરથી ચુંટણી લડવા માટે ટીકીટ માંગી રહ્યા છે. પરંતુ ઋત્વિજ જોશી અને ગુણવંત પરમારની વિધાનસભા ચૂંટણીમાં હારમી હાર થઈ હતી જે જોતા કોંગ્રેસ તેમને આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવા તૈયાર નથી. ભાજપના ઉમેદવારને ટક્કર આપી શકે તેવા મજબુત ઉમેદવારને કોંગ્રેસ શોધી રહી છે પરંતુ હજુ સુધી કોંગ્રેસને તેવો મજબુત ચહેરો મળી રહ્યો નથી.
કોંગ્રસે માટે હજુ 7 મૂરતિયા શોધવાના બાકી છે જેમાં મહેસાણા, નવસારી, વડોદરા, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢનો સમાવેશ થાય છે. લોકસભાની સાથે ગુજરાતની 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાવાની છે. જેમાં વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા, પણ લોકસભાની ચૂંટણી સાથે યોજાશે. આ ચૂંટણી માટે ભાજપે ભાજપે આ તમામ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જ્યારે કોંગ્રેસ પક્ષે પેટાચૂંટણીને લઈને કોઈ જાહેરાત કરી નથી.
મહત્વનું છે કે, કહેવાતા દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. ત્યારે કોંગ્રેસ 1 બે દિવસમાં બાકીના ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. ત્યારે હવે કઈ બેઠક પરથી કોને મેદાનમાં ઉતારવામા આવે છે તે જોવું રહ્યું,..