નડિયાદ : ગુજરાતમાં વધુ એક દુર્ઘટના બની છે. અમદાવાદથી 9 જેટલા મિત્રો ગળતેશ્વર ફરવા માટે આવ્યાં હતા. તે દરમિયાન ગળતેશ્વરની મહીસાગર નદીમાં ન્હાવા આવેલા પૈકી ચાર મિત્રો ડૂબ્યા હતા. જે બાદ ઘટનાસ્થળે ઉપસ્થિત સ્થાનિક તરવૈયાઓએ 4 માંથી એકનો જીવ બચાવી લીધો હતો. જોકે, ત્રણના ખાલી મૃતદેહ જ હાથ લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સેવાલીયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના 9 મિત્રો ફરવા આવ્યા હતા. ત્યારે મહીસાગર નદીમાં ન્હાવા ગયા હતા. જે દરમિયાન ચાર મિત્રો ડૂબી ગયા હતા. જેથી બુમાબુમ થવા લાગી હતી. મહીસાગર નદીમાં ડૂબતા એક મિત્રને બચાવતા એક બાદ એક એમ ચાર મિત્રો પાણીમાં ગરકાવ થયા હતા.તે દરમિયાન સ્થાનિક તરવૈયાઓએ યુવકોને બચાવવા નદીમાં કુદી પડ્યા હતા. જોકે, માત્ર એક જ યુવકનો જીવ બચાવી શકાયો હતો. જ્યારે ત્રણ યુવકોના માત્ર મૃતદેહ જ હાથ લાગ્યા હતા. જેઓને મૃતદેહોને પીએમ માટે સેવાલીયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાં હતા.
ચાર જણા ડૂબ્યાના સમાચાર મળતાં જ સેવાલીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃત્યુ પામેલાના મૃતદેહનું પોલીસે પંચનામુ કર્યુ છે અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોલીસ પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ સગાસંબંધીઓને સુપ્રત કરશે. ચાર જણા નદીના પાણીના ઊંડાણવાળા વિસ્તાર બાજુ જતાં રહ્યા હોવાનું મનાય છે. તેના લીધે તે ડૂબી ગયા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.