અમદાવાદ : અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. બીકોમ અને બીએ જેવા કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવતા અગાઉ 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં માગણી ન સ્વીકારવામાં આવતા આજે (5 ઓગસ્ટ) NSUIના કાર્યકરોએ ફરીથી અમદાવાદ યુનિવર્સિટીમાં ધસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી કાર્યકરોએ ધક્કે ચડાવ્યા હતા. જે બાદ પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. થોડીવાર માટે યુનિવર્સિટીનું કેમ્પસ યુદ્ધનું મેદાન હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ યુનિવર્સિટી ખાતે આજે NSUI નાં કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યુનિ.માં થતા તોતિંગ ફી વધારા સામે NSUI નાં કાર્યકરો એ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો.અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવી છે. જેને લઇને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજથી પાંચ દિવસ પહેલાં NSUIએ યુનિવર્સિટીને 24 કલાકમાં ફી ઘટાડવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ સાથે સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવા માગ કરી હતી. આગાઉ આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતાં NSUIના કાર્યકરો યુનિવર્સિટીઓ પહોંચ્યા હતા. જ્યાં સિક્યોરિટી દ્વારા મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવ્યો હતો.
જેથી NSUIના કાર્યકરો યુનિવર્સિટીના ગેટ પર બેસી ગયા હતા. આ સાથે સિક્યોરિટી ગાર્ડે ગેટ પર સાંકળ મારીને કાર્યકરોને ગેટ કૂદતા રોક્યા હતા. કાર્યકરોએ છલાંગ લગાવી યુનિવર્સિટીમાં કૂદતા કાર્યકરો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ NSUIના કાર્યકરોએ ગેટની સાંકળ તોડીને યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો અને અંદર જઈને ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી યુનિવર્સિટીમાંથી બહાર ધક્કે ચઢાવ્યા હતા. રજિસ્ટ્રારને યુનિવર્સિટી બહારથી ધક્કો મારીને કાર્યકરો યુનિવર્સિટીમાં પરત લઈ ગયા હતા.
જે બાદ બંદોબસ્તમાં રહેલી પોલીસની ગાડીઓ યુનિવર્સિટીની અંદર પહોંચી હતી અને NSUIના કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે ગણતરીની મિનિટમાં તમામ કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.આ મામલે NSUI એ જણાવ્યું હતું કે, 4 દિવસ અગાઉ અમે અલ્ટિમેટમ આપ્યું હતું. આ યુનિવર્સિટીમાં ગરીબ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી શકે. અમે આ અંગે આગામી દિવસમાં ગાંધીનગર શિક્ષણમંત્રીનો પણ ઘેરાવ કરીશું.


