દ્વારકા: હિન્દુ ધર્મમાં સૌથી વધુ મહત્વ ધરાવતા દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આમ તો દર વર્ષે વિશ્વપ્રસિદ્ધ દ્વારકાના જગત મંદિરમાં લાખો શ્રદ્ધાળુ તહેવાર નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરતા હોય છે પરંતુ દિવાળીના તહેવારને લઈ વિશેષ ભીડ જામતી હોય છે. દિવાળી ઉપરાંત નૂતન વર્ષ અને ભાઈબીજ સહિતના પર્વ પર ભક્તો દ્વારકાધીશના ચરણે શીશ નમાવતા હોય છે. ત્યારે દિવાળીને લઈ જગત મંદિરના દર્શન કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દ્વારકાધીશ મંદિર કચેરી દ્વારા દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર સાથેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે ધનતેરસના દિવસે મંદિરમાં સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે, બપોરે 1 થી 5 અનોસર એટલે કે મંદિર બંધ રહેશે, ત્યારબાદ સાંજે 5:00 વાગે ઉત્થાપન બાદ દર્શનનો લાભ મળશે. તેમ જ રાત્રે 9:45 કલાકે અનોસર બાદ મંદિર દર્શન બંધ થશે.
દિવાળીના દિવસે વિશેષ ઉજવણીને ધ્યાનમાં લઇને મંદિર વહેલું ખુલશે. દિવાળીના દિવસે સવારે 5:30 કલાકે મંગળા આરતી કરવામાં આવશે, બપોરે 1 થી 5 અનોસર, સાંજે 5:00 વાગે ઉત્થાપન તેમજ રાત્રે 8 કલાકે હાટડીના દર્શન બાદ 9:45 કલાકે શયન સાથે મંદિર દર્શન બંધ થશે.