અમદાવાદ : અમદાવાદમાં લૂંટ અને હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને લઇ લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે શહેરના હાર્દસમા વિસ્તાર એવા શાહીબાગમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. જેને લઇ તહેવારના દિવસોમાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના મેમ્કો વિસ્તારના સહકાર નગરમાં રહેતી બિટ્ટી દેવીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેનો 24 વર્ષીય પુત્ર આલોક કુશવાહને પુષ્પેન્દ્ર ઉર્ફે છોટુન તોમર, દીપુ તોમર અને બબલુ ઉર્ફે બચ્ચુ તોમરનામના શખ્સો સાથે બોલાચાલી થઈ હતી છે.તેનો ખાર રાખીને ગુસ્સે ભરાયેલા આ ચારેય લોકો છરી અને તલવારો સાથે તેના ઘરમાં ઘુસી ગયા અને મારપીટ કરવા લાગ્યા. આ દરમિયાન ગોપાલ તોમરે ફરિયાદી બિટ્ટી દેવીને માથામાં લાકડી વડે માર મારીને ઇજા પહોંચાડી હતી.
આ પછી આલોક 108 પર ફોન કરીને બિટ્ટી દેવીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયો. જ્યાં સિટી સ્કેન કરાવ્યા બાદ માતા-પુત્ર સિવિલ ટ્રોમા સેન્ટરમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન છોટુ તોમર ફરીથી તેના સાથીઓ સાથે હથિયારો સાથે આવી પહોંચ્યો હતો. જેમણે એમ્બ્યુલન્સમાં ફરિયાદીની સાથે બેઠેલા ફરિયાદીના પુત્ર આલોકને બહાર કાઢ્યો હતો અને છરીના ઘા મારીને ઇજા કરી હતી.
આ દરમિયાન બૂમાબૂમ થતાં આરોપી બાઇક પર ફરાર થઇ ગયો હતો. બિટ્ટીદેવી તેના ઘાયલ પુત્રને તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં લઈ ગઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે પુત્ર આલોકને મૃત જાહેર કર્યો હતો. આ કેસમાં બિટ્ટી દેવીની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.