અમદાવાદ : આવતીકાલ મંગળવારથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. હેલ્મેટ નિયમનનું પાલન કરવા અને દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. આ અંગે રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે. સરકારી કર્મીઓને હેલ્મેટના નિયમનનું પાલન કરાવવા એક્શન પ્લાન ઘડાયો છે. આ અંગે ડીજીપી ગુજરાત તરફથી એક પોસ્ટ કરી માહિતી આપવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આવતીકાલ મંગળવારથી ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. દરેક સરકારી કચેરીઓ પર આવતીકાલથી પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર નિયમોનું પાલન કરાવશે. ડીજીપી વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો છે. ડીજીપી ગુજરાત તરફથી સોશિયલ મીડિયા X પર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ, રાજ્યના જવાબદાર નાગરિકો તરીકે તમારા બધા પાસેથી બીજાઓ માટે રોલ મોડેલ બનવાની અપેક્ષા રાખવામાં આવે છે. આજે તમે બધા ટ્રાફિક નિયમોનું પાલન કરવાની, ખાસ કરીને હેલ્મેટ પહેરવાની પ્રતિજ્ઞા લો તો હું તેને બિરદાવીશ.આવતીકાલથી તમામ પોલીસ યુનિટને પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. કૃપા કરીને સહયોગ આપો. જય હિંદ.
ગત વર્ષે સરકારે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે. સરકારે એક પરિપત્રમાં જણાવ્યું કે, રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે.


