અમદાવાદ : ગુજરાતમાં દારુબંધી વચ્ચે દારુની રેલમછેલ જોવા મળે છે. ત્યારે બુટલેગર્સને રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ, પીસીબી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ મેદાનમાં ઉતરી છે. ફરી એક વાર અમદાવાદમાંથી દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ટ્રકમાં સાયકલની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પીસીબી ટીમની તપાસમાં ગોતા બ્રિજ પાસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, એક દારૂ ભરેલી ટ્રક વૈષ્ણવદેવી સર્કલથી સરખેજ તરફ જઇ રહી છે. બાતમીના આધારે પીસીબીની ટીમ વોચમાં હતી, ત્યારે એક ટ્રક પસાર થઇ હતી. પીસીબીએ ઇશારો કરીને ટ્રકને રોકી હતી અને તપાસ કરી હતી. તપાસ કરતા ટ્રકમાંથી 21,168 દારૂની બોટલો મળી આવી હતી. પીસીબીએ ટ્રક ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરી છે. પીસીબીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને બુટલેગર કોણ છે તે શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 21,168 દારૂની બોટલની કિંમત 49 લાખથી વધુની થાય છે.
પોલીસે દારુના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી દારુનો જથ્થો લવાતો હોવાનો ખુલાસો થયો છે. 49.26 લાખથી વધુની કિંમતની 21 હજાર 168 દારૂની બોટલો કબજે કરાઈ છે. 21,168 દારૂની બોટલની કિંમત 49 લાખ સાથે સાયકલના ટાયર, ટ્રક મળી કુલ 77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


