અમદાવાદ : રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં આંધી-તુફાન જેવો વાતાવરણ થયો હતો. જે બાદ મોડી રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો છે. જો કે, સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.અમદાવાદના પકવાન, થલતેજ, ઈસ્કોન, ગોતા, ચાણક્યપુરી, ઘાટલોડિયા, સેટેલાઈટ, પકવાન ચાર રસ્તા, નવા વાડજ, ન્યૂ રાણીપ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. મોડી રાતે પણ અમદાવાદ શહેરના બોપલ, ઘૂમા, થલતેજ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યો હતો.શહેરના કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
આ અગાઉ સાંજના સમયે અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળઝાળ ગરમીના દિવસોમાં મીની વાવાઝોડા જેવો માહોલ જામ્યો હતો. શહેરમાં તોફાની પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી, ત્યારબાદ વરસાદ જેવો માહોલ સર્જાતા સાંજે બહાર જવાનું આયોજન કરનારા લોકોએ મોટેભાગે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યુ હતું જો કે વાતાવરણમાં પલટાથી અમદાવાદીઓને આકરી ગરમીમાંથી રાહત મળી છે.
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદને કારણે અલગ અલગ ઠેકાણે 10 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષો ધરાશાયી થવાથી રસ્ચા પણ બ્લોક થઈ ગયા હતા.જેમાં યુનિવર્સિટી વિસ્તારનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં વૃક્ષની નીચે પાર્ક કરેલું વાહન પણ દબાઈ ગયું હતું. કોમર્સ છ રસ્તા ખાઉગલી પાસે આ બનાવ બન્યો હતો. નારણપુરામાં સરદાર પટેલ કોલોની પાસે રોડ પર ધરાશાયી વૃક્ષ થયું હતું. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
અમદાવાદના આ વિસ્તારમાં વૃક્ષ પડી ગયા
– ઉસ્માનપુરા હોટેલ હયાત
-સરદાર પટેલ કોલોની, નારણપુરા
– આંબલી રેલવે સ્ટેશન, થલતેજ
– રાજપુર, મગન કુમારની ચાલી, ગોમતીપુર
– મીઠાખડી પાસપોર્ટ ઓફિસ, નવરંગપુરા
– કાંકરીયા એકા ક્લબ, મણિનગર
– ચમનપુરા અસારવા, નરોડા
– પકવાન ક્રોસ રોડ, બોડકદેવ
– ચંદ્રલોક ટાવર, પટેલ ડેરી શાહીબાગ સામે, શાહપુર
– ચાંદખેડા આઈઓસી રોડ, ચાંદખેડા