અમદાવાદ : સમયની સાથે ગુજરાતી સિનેમાનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને હવે ગુજરાતી ફિલ્મો પણ બોલિવૂડની ફિલ્મોને ટક્કર આપી રહી છે. ગત 10 ઓક્ટોબરે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ દર્શકોને એટલી પસંદ આવી રહી છે કે તેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાતી ફિલ્મ ‘લાલો, શ્રી કૃષ્ણ સદા સહાયતે ખાસ કરીને જૂનાગઢની ભૂમિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. ફિલ્મની સ્ટોરી એક રિક્ષા ચાલક યુવક પર કેન્દ્રિત છે, જે દારૂના રવાડે ચઢી જાય છે અને ખરાબ સંગતમાં ફસાઈ જાય છે. આ યુવકને સુધારવા માટે ભગવાન શ્રીકૃષ્ણ આવે છે અને તેને યોગ્ય શીખામણ આપે છે. ફિલ્મની સંપૂર્ણ સ્ટોરી ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે.ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ જૂનાગઢ શહેરના ભવનાથ, ગિરનાર, દામોદર કુંડ અને નરસિંહ મહેતાનો ચોરો જેવા પવિત્ર સ્થળોએ કરવામાં આવ્યું છે.હાલમાં આ ફિલ્મ થિયેટરોમાં ચાલી રહી છે અને તેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે.
આ ફિલ્મમાં બધા જ યુવા કલાકારોએ અભિનય કર્યો છે, જેમના પર્ફોમન્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મ જોઈને ઘણા દર્શકોની આંખમાં હરખના આંસુ પણ જોવા મળી રહ્યા છે. દર્શકોના વાઇરલ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, “આવી ફિલ્મ અમે ક્યારેય નથી જોઈ.” આખી ફિલ્મ તેની મજબૂત સ્ટોરીલાઇન અને સ્ટારકાસ્ટના કારણે વખણાઈ રહી છે.

