અમદાવાદ : અમદાવાદમાં BRTS ટ્રેક પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બસની ટક્કરથી મોત થયું. મળતી માહિતી મુજબ, મૃતક યુવક BRTS ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બસે તેને અડફેટમાં લીધો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ખોડિયારનગર BRTS ટ્રેકમાંથી બે યુવકો રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે BRTS બસે એક યુવકને ટક્કર મારતા યુવકને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. યુવક તેના ભાઈ સાથે યુપીથી અમદાવાદ રોજગારી માટે આવ્યો હતો. બનાવની જાણ થતા કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.પોલીસ અકસ્માતના તમામ પાસાઓની તપાસ કરી રહી છે, જેમાં તે કેવી રીતે બન્યો, બસની ગતિ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કોણે કર્યું તે શામેલ છે. આવા અકસ્માતોની શ્રેણીને રોકવા માટે, BRTS ટ્રેક પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવી જરૂરી છે.
આ અકસ્માત ફરી એકવાર BRTS ટ્રેક પર માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોનું પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. BRTS ટ્રેક પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા ડ્રાઇવરોની બેદરકારી અને બસ ડ્રાઇવરોની બેદરકારીને કારણે ઘણા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.
આ અગાઉ પણ અમદાવાદના નારણપુરા નજીક મોડી રાત્રે એક BRTSએ એક રાહદારીનો પગ કચડી નાખ્યો હતો. જેના પગલે ઉશ્કેરાયેલા બે માણસોએ બસની બારી તોડી નાખી અને બસમાં તોડફોડ કરી હતી. ડ્રાઇવરને બસમાંથી ઉતારીને માર પણ મારવામાં આવ્યો હતો.


