અમદાવાદ : શહેરના આનંદનગર વિસ્તારમાં એક જ્વેલરી શો-રૂમમાં ગ્રાહક બનીને આવેલી ટોળકીએ સોનાના દાગીના બતાવવાનું કહીને સેલ્સમેનનું ધ્યાન ભટકાવી, તેમની સાથે આવેલા 12 વર્ષના બાળકે સોનાના દાગીનાની ચોરી કરી હતી. આશરે 3.13 લાખ રૂપિયાના દાગીનાની આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મકરબામાં રહેતા 30 વર્ષીય ભાવેશકુમાર માળીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવેશકુમાર આનંદનગરની હરીઓમ ચાલી પાસે આવેલા શ્રી લક્ષ્મી જ્વેલર્સમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે. ગત 23 નવેમ્બરના રોજ જ્યારે તેઓ દુકાને હાજર હતા.એક મહિલા અને એક પુરૂષ 12 વર્ષના બાળક સાથે શો-રૂમમાં આવ્યા હતા. જ્યાં તેઓએ સોનાની કાંટીઓ જોવા માંગી હતી. જે બાદ અન્ય એક મહિલા તેમજ પુરૂષ શો-રૂમમાં પ્રવેશ કરી ચાંદીનું છત્તર જોવાની ભાવેશભાઈને વાત કરી તેઓને વાતોમાં પરોવી દીધા હતા. ભાવેશકુમાર અન્ય ગ્રાહકોને દાગીના દેખાડવામાં રોકાયેલા હતા. તે સમય દરમ્યાન આ ટોળકીના સભ્યોએ એકબીજાને ઈશારો કરી કાઉન્ટર પર સોનાની દાગીના ભરેલ થેલી લઈ ગાયબ થઈ ગયા હતા.
ટોળકી ગયા બાદ ભાવેશકુમારને દાગીનાના સ્ટોકની ગણતરી કરી રહ્યા હતા તે દરમ્યાન માલુમ પડ્યું કે એક થેલી ઓછી છે. જે બાદ તેઓ દ્વારા તપાસ કરવામાં આવતા 48 નંગ સોનાની કાંટીઓ ન હોવાનું માલુમ પડ્યું હતું. જેની કિમત 3,13,040 છે. જે બાદ ભાવેશકુમારે દુકાનના સીસીટીવી ચેક કરતા તેમાં 12 વર્ષના બાળક દ્વારા થેલીની ચોરી કરી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. જે બાદ ભાવેશકુમાર દ્વારા આનંદનગર પોલીસ મથકે આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.


