અમદાવાદ : શહેરના ગોતા વિસ્તારમાં આવેલા ‘આરંભ ઝેસ્ટ‘ પ્રોજેક્ટમાં ફ્લેટ ધરાવતા એક ગ્રાહકની ફરિયાદને રદબાતલ ઠેરવતા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) એ કાર્પેટ એરિયા અંગે અત્યંત મહત્વ સ્પષ્ટતા કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, ફરિયાદી અંકિતાબેન પ્રજાપતિએ બિલ્ડર શાન્વી નિર્માણ એલ.એલ.પી. વિરુદ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે તેમને વેચાણ દસ્તાવેજ મુજબ 434 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા મળવો જાેઈએ, પરંતુ ખાનગી સર્વે મુજબ તેમને 14.3 ચોરસ ફૂટ જેટલી ઓછી જગ્યા મળી છે. ફરિયાદીએ આ ઓછી જગ્યાના બદલામાં વ્યાજ સાથે નાણાં પરત મેળવવાની માંગ કરી હતી.
સામાવાળા બિલ્ડર પક્ષે દલીલ કરી હતી કે, રેરા એક્ટની કલમ 2 (k) અને ગુજરેરાના વર્ષ 2017 ના પરિપત્ર મુજબ, કાર્પેટ એરિયાની ગણતરીમાં ફ્લેટની અંદરની આંતરિક વિભાજન દીવાલો (ઇન્ટરનલ પાર્ટીશન વોલ્સ) અને આંતરિક કોલમનો સમાવેશ થાય છે. બિલ્ડરના જણાવ્યા અનુસાર, જાે આ દીવાલોના એરિયાને ગણતરીમાં લેવામાં આવે તો ગ્રાહકને દસ્તાવેજ મુજબ પૂરેપૂરો કાર્પેટ એરિયા આપવામાં આવ્યો છે.
ગુજરેરાના મેમ્બર શ્રી એમ.એ. ગાંધીએ બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લીધા બાદ અવલોકન કર્યું કે ફરિયાદીએ રજૂ કરેલો ખાનગી સર્વે રિપોર્ટ ખામીયુક્ત હતો કારણ કે તેમાં આંતરિક દીવાલોની જગ્યાને બાદ કરી દેવામાં આવી હતી.
ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું કે, રેરા કાયદાની જાેગવાઈ મુજબ કાર્પેટ એરિયા એટલે ‘નેટ યુઝેબલ ફ્લોર એરિયા‘, જેમાં બાહ્ય દીવાલો, સર્વિસ શાફ્ટ અને બાલ્કનીનો સમાવેશ થતો નથી, પરંતુ ફ્લેટની અંદરની દીવાલોનો એરિયા ચોક્કસપણે સમાવિષ્ટ છે.
“રેરા એક્ટની કલમ- 2 (k) ની જાેગવાઇ ધ્યાનમાં લેતાં અને આ ઓથોરીટીએ સદર કલમના સંદર્ભમાં બહાર પાડેલ સર્કયુલર ધ્યાનમાં લેતાં તેવી કાયદાકીય પરિસ્થિતિ જણાય છે કે, કાર્પેટ એરીયાની ગણત્રી કરતી વખતે ઇન્ટરનલ વોલ અને ઇન્ટરનલ કોલમના એરીયાનો પણ સમાવેશ થાય છે અને તે એરીયાને ટોટલ કાર્પેટ એરીયામાંથી બાદ કરવાનો રહેતો નથી.
આ કેસમાં ફરિયાદીના ફ્લેટમાં કાર્પેટ એરીયા 434 ચો.ફુટ અને વોશ એરીયા 22 ચો.ફુટ છે તેમાં ઇન્ટરનલ વોલના એરીયાનો સમાવેશ થાય છે અને તે એરીયા બાદ કરવાનો રહેતો નથી. આ રીતે આ કેસમાં સામાવાળાએ કાર્પેટ એરીયા ઓછો આપેલ હોય તેવી હકીકત જણાતી નથી,” એમ રેરાએ જણાવ્યું હતું.
“ફરિયાદીએ એવી રજુઆત કરેલ છે. કાર્પેટ એરીયાની ગણતરીમાં ઇન્ટરનલ વોલ એરીયાનો સમાવેશ કરેલ છે તે ખોટી રીતે કરેલ છે અને તે એરીયા બાદ કરવો જાેઇએ. પરંતુ રેરા એક્ટની જાેગવાઇ વંચાણે લેતાં ફરિયાદીની સદર રજુઆત સ્વીકારી શકાય તેમ નથી. આ રીતે સામાવાળાએ ફરિયાદીને કાર્પેટ એરીયા ઓછો આપેલ હોય તેવી હકીકત સ્વીકારી શકાય તેમ નથી,” એમ રેરાએ વધુમાં ઠરાવ્યું હતું.
આમ આ કાયદાકીય સ્થિતિને જાેતા ઓથોરિટીએ ઠેરવ્યું કે, બિલ્ડરે કાર્પેટ એરિયા ઓછો આપ્યો હોવાની હકીકત સ્વીકારી શકાય તેમ નથી અને તે આધારે આ ફરિયાદ રદ કરવામાં આવી છે. આ ચુકાદો રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્પેટ એરિયાની ગણતરી બાબતે પ્રવર્તતી મૂંઝવણોને દૂર કરવા માટે મહત્વનો સાબિત થશે.


